ઠીક હૈ… મેં દાઉદ બોલ રહા હૂં… નદીમને બચાવવાના ડોનના પ્લાનનો પર્દાફાશ

નવી દિલ્હી: વિદેશોમાં બેઠેલા ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે મોદી સરકાર દ્વારા છેડવામાં આવેલી ઝુંબેશની અસર હવે વરતાઇ રહી છે. એટલે સુુધી કે આ ઝુંબેશને કારણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પણ પોતાના પગ તળેની ધરતી સરકતી હોવાનું લાગી રહ્યું છે. ઇન્ડિયા ટુડે પાસે એક ખાસ ટેપ ઉપલબ્ધ છે જેમાં દાઉદને સ્વયં ફોન કરીને ભારત સરકારની ઝુંબેશ અને નદીમ અંગે ચિંતા વ્યકત કરતો સાંભળી શકાય છે.

૧૯૯૭માં કેસેટ કિંગ ગુલશનકુમારની હત્યામાં વોન્ટેડ સંગીતકાર નદીમ સૈફીને ભારતીય કાનૂની જાળમાં નહીં ફસાવા દેવા માટે હવે દાઉદે પણ ફાંફાં મારવાનું શરૂ કરી દીધું છે. નદીમને ભારતના કાયદાની ચુંગાલમાં ફસાતો અટકાવવા માટે જ્યારે એક ગેંગસ્ટર દાઉદને ફોન કરે છે ત્યારે દાઉદ કહે છે કે “ઠીક ઠીક હૈ… મેં દાઉદ બોલ રહા હૂં.”

૯૦ના દાયકામાં બોલિવૂડની એક હિટ સંગીતકાર જોડીનો સભ્ય રહી ચૂકેલ નદીમ સૈફી ઘણા લાંબા સમયથી બ્રિટનમાં રહે છે. ઇન્ડિયા ટુડે પાસે ઉપલબ્ધ કોલ ઇન્ટરસેપ્ટ દ્વારા બોલિવૂડના સૌથી સનસનીખેજ ગુલશનકુમાર હત્યાકાંડમાં નવી હકીકતોનો પર્દાફાશ થયો છે.

ર૦૧પથી જ રેકોર્ડ કરવામાં આવેલી આ વાતચીતની ટેપમાં દાઉદને ચિંતા વ્યકત કરતો સાંભળી શકાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ જે શખ્સ અંગે ચિંતા વ્યકત કરે છે તે બીજું કોઇ નહીં પણ નદીમ સૈફી જ છે. વાતચીતની ટેપ પરથી ખુલાસો થાય છે કે કઇ રીતે દાઉદ પોતાના એક ગેંગસ્ટરને વોન્ટેડ સંગીતકારને લઇને સંભવિત કાનૂની ખતરા અંગે ચેતવણી આપી રહ્યો છે. વાતચીતમાં અન્ડરવર્લ્ડના ખાસ કોડવર્ડનો પણ ઉપયોગ થતો સંભળાય છે. જેમ કે નદીમ સૈફીને ટાંકીને લંડન ફ્રેન્ડ, ઉસ્તાદ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

દુબઇ સ્થિત દાઉદનો એક ગેંગસ્ટર બ્રિટનમાં નદીમ સૈફીની સંભવિત ધરપકડને ટાળવા માટે તેને અન્ડર ગ્રાઉન્ડ કરવાના પ્લાન અંગે પણ દાઉદને જણાવી રહ્યો છે. ગેંગસ્ટર જણાવે છે કે લંડનવાળો મિત્ર ખતરામાં છે. તેના માટેની તૈયારી કરી દીધી છે. બે દિવસમાં તેને ઉઠાવી લઇશું. આ સાંભળીને દાઉદને જ્યારે ખ્યાલ આવે છે કે નદીમ સૈફીની વાત થઇ રહી છે ત્યારે તે આ પ્લાનને લીલીઝંડી આપી દે છે. આમ આ વાતચીત દ્વારા નદીમ સૈફી અને દાઉદ ઇબ્રાહીમની સાઠગાંઠનો પણ પર્દાફાશ થાય છે.

You might also like