સસરા-પુત્રી પર કાર ચઢાવનાર પિતાની ધરપકડ

અમદાવાદ: અમરાઈવાડીમાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક ગઈ કાલે સાંજે વેપારી પિતાએ તેના સસરા અને ૧૨ વર્ષીય પુત્રી પર કાર ચઢાવી અકસ્માત સર્જ્યો હતો. આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનનાં ફરિયાદ નોંધાવતાં અમરાઈવાડી પોલીસે વેપારી પિતાની ધરપકડ કરી છે. સરસપુરમાં રહેતા અને કોલસાનો વેપાર કરતા પ્રેમજીભાઈ ઉર્ફે વિજયભાઈ પરમારનાં લગ્ન અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિકની ચાલીમાં રહેતાં ગીતાબેન સાથે થયાં હતાં.

લગ્ન જીવન દરમિયાન ગ્રેસી નામની પુત્રી જન્મી હતી. બાદમાં પતિ પત્ની વચ્ચે તકરાર થતાં મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટમાં પુત્રી માતા સાથે રહેશે અને દર રવિવારે પિતા પુત્રીને મળી શકશે તેવો હુકમ આવ્યો હતો. જેથી ગઈ કાલે રવિવાર હોવાથી પ્રેમજીભાઈ પુત્રી ગ્રેસીને મળવા આવ્યા હતા અને સાથે લઈ જવાની જીદ લઈ તકરાર થતાં પ્રેમજીભાઈએ પોતાની આઇટેન કાર ચાલુ કરી પૂરપાટ ઝડપે હંકારી તેમના સસરા ડાહ્યાભાઈ અને તેમની પુત્રી ગ્રેસીને કારની અડફેટે લીધા હતા.
પગે ફ્રેક્ચર થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. અા અંગે પ્રેમજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પ્રેમજીભાઈની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

You might also like