ખૂન કા બદલા ખૂનઃ પરિવારના ચાર સભ્યોઅે યુવાનને ઝેર પીવડાવ્યું

અમદાવાદ: વર્ષ ૨૦૧૩માં ઓઢવ વિસ્તારમાં થયેલી વૃદ્ધાની હત્યાનો બદલો લેવા માટે એક જ પરિવારના ચાર સભ્યોએ યુવકને ઢોર માર્યા બાદ ઝેર પીવડાવીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવકના પિતા અને ભાઇએ વૃદ્ધાની હત્યા કરી હતી જેનો બદલો લેવા માટે આ ઘટના ઘટી છે. કુળદેવીના મંદિરે યુવક દર્શન કરવા માટે આવ્યો ત્યારે બે મહિલા સહિત ચાર શખ્સોએ તેને ઝેર પીવડાવ્યું હતું.

ઓઢવ વિસ્તારમાં રહેતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા નવીન પ્રવીણભાઇ પરમારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના ચાર સભ્યો વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.

રવિવારે મોડી રાતે નવીન પરમાર ઓઢવ વિસ્તારમાં આવેલ મનુ સાહેબના કૂવાની ચાલીમાં કુળદેવીનાં દર્શન કરવા માટે આવ્યો હતો. તે સમયે તે જ ચાલીમાં રહેતા રતન દેવશીભાઇ પરમાર, કાન્તાબહેન પરમાર, શકુબહેન પરમાર અને સંજય પરમારે નવીનને ઘેરી લીધો હતો.

નવીનની હત્યા કરવાના હેતુસર ચારેય જણા તેની પર તૂટી પડ્યાં હતાં અને તેને ઝેર પીવડાવીને ફરાર થઇ ગયા હતા. નવીન તરફડિયાં મારતો હતો ત્યારે ચાલીમાં રહેતા અન્ય લોકોએ તેને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઓઢવ પોલીસે આ મામલે ચાર લોકો સામે હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ જણાવ્યું છે કે નવીનના પરિવારના સભ્યો તેમજ રતન પરમારના સભ્યો વચ્ચે વર્ષ ૨૦૧૩માં ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો શાંત કરાવવા માટે રતનના કુટુંબની એક વૃદ્ધ મહિલા વચ્ચે પડી હતી.

જેમાં વૃદ્ધાને ઇજા પહોંચતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે પ્રવીણભાઇ તેમજ તેમના પુત્ર વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. આ હત્યાની અદાવત રાખીને નવીન પર હુમલો થયો છે.

You might also like