હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા

અમદાવાદ: ગાંધીનગર, મહેસાણા, વિજાપુર સહિત જુદા જુદા ગામોમાં ગંભીર ગુના અાચરનાર ગુનેગાર ટોળકીના ત્રણ ગુનેગારોને પોલીસે હિંમતનગર હાઈવે પરથી અાબાદ ઝડપી લઈ અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.  મળતી માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મહેસાણા, માણસા, વિજાપુર, ગાંધીનગર અને હિંમતનગરમાં હત્યા, લૂંટ સહિતના ગંભીર ગુના અાચરનાર ટોળકીના ત્રણ શખસો હાઈવે પર ફરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી વિક્રમ બજાણિયા, તેનો ભાઈ અનિલ બજાણિયા અને રાકેશ બજાણિયાને અાબાદ ઝડપી લઈ સોના-ચાંદીના દાગીના અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

અા ગુનેગારોની પૂછપરછ દરમિયાન અારોપી વિક્રમ બજાણિયાએ થોડા વખત અગાઉ દારૂના નશામાં ચકચૂર બની તેની પત્ની અને કાકાની હત્યા કરી હતી. ત્યારબાદ તે જેલવાસ ભોગવતો હતો. તાજેતરમાં તે પેરોલ પરથી છૂટી નાસી છૂટ્યો હતો.

ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા સહિતના અનેક ગામો અને શહેરોમાં અા ટોળકીએ ચોરી અને લૂંટ સહિતના ગંભીર ગુના અાચર્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય અારોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવી સઘન ઊલટતપાસ શરૂ કરી છે. ઊલટતપાસ દરમિયાન રાજ્યના જુદા જુદા શહેરોમાં બનેલા ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like