ખૂન, લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો

અમદાવાદ: ખૂન, લૂંટ સહિતના અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને શહેર ક્રાઈમ બ્રાન્ચે ચાંદલોડિયા બ્રિજ નજીકથી ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે. અા શખસને ઊલટતપાસ દરમિયાન હજુ વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાવા સંભાવના છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે હત્યા, લૂંટ, ધાડ, ચેઈન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીના ગુના અાચરવામાં પાવરધો ગુનેગાર રાજીવ ઉર્ફે રાજ્યા શંકરલાલ મીણા નામનો શખસ છેલ્લા કેટલાક વખતથી વોન્ટેડ હતો. અા ખૂંખાર ગુનેગાર ચાંદલોડિયા બ્રિજ નજીક અાવવાનો હોવાની પોલીસમાં ચોક્કસ બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી અા શખસને તમંચા, રિવોલ્વર અને કારતૂસ સાથે અાબાદ ઝડપી લીધો હતો. અા શખસે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હોવાનું અને મુંબઈમાં પન્નાલાલ નામના શખસની હત્યા કરી હોવાનું પણ તપાસ જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન ગુનેગાર રાજીવે રાજસ્થાનમાં પોલીસ પર ફાયરિંગ કર્યાં હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ અા ગુનેગારે ગુજરાતની ઝાંજરી બોર્ડર પર તેના સાગરીત સાથે વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી.  પ્રાથમિક તપાસમાં અા ગુનેગાર ૨૦થી ૨૫ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. ગુનેગારની ઊલટતપાસ દરમિયાન અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાવાની સંભાવના છે.

You might also like