જમાલપુરમાં ૨૮ વર્ષીય યુવાનની હત્યા પોલીસ માટે બની પહેલી

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર નજીક મારવાડીની ચાલીના મકાનમાંથી હાથ અને પગ દોરડાંથી બાંધેલી ગળાફાંસો આપી દેવાયેલી હાલતમાં મળી આવેલી લાશ મામલે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. પોલીસ મૃતક હેમલની હત્યાના કારણ અને હત્યારા સુધી હજી સુધી પહોંચી શકી નથી.

દસ દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં મારવાડીની ચાલીમાંથી કેટલાક લોકોએ અત્યંત દુર્ગંધ મારતાં મકાનની શંકાના આધારે ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ચાલીના મકાનમાં જઈ તપાસ કરતા એક યુવકનો વિકૃત થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હાથ પાછળ દોરડાં અને ચેઈનથી બાંધી તેના પર તાળું માર્યું હતું, પગ બાંધેલી હાલતમાં તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ હેમલ પ્રજાપતિ (ઉં.28) હોવાનું ખુલ્યું હતું. હેમલના પિતા ચુનિલાલ અને તેમનો મોટો પુત્ર વસ્ત્રાપુર સમૃદ્ધિ ટાવરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં લટકીને મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે, જોકે ગાયકવાડ હવેલી પોલીસ આ મામલે હજી સુધી કોઈ આરોપી સુધી પહોંચી શકી નથી.

મૃતક હેમલને કોઈ સાથે દુશ્મની ન હતી તેમજ કોઈ પાસે પૈસાની લેતી દેતી કે કોઈ અન્ય કારણ પણ જાણવા નથી મળ્યું. પોલીસે હેમલના ત્રણ મિત્રો તેમજ તેના પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરી હતી ,પરંતુ પોલીસે કોઈ જ કડી મળતી નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ આ મામલે તપાસ કરી રહ્યાં છે.

You might also like