પત્નીની શંકા-ઝઘડાથી કંટાળી પતિએ ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખી

અમદાવાદ, શનિવાર
શહેરના નારોલ નજીક આવેલ સુએજ ફાર્મ પાસે અજાણી મુસ્લિમ મહિલાની લોહીથી લથપથ હાલતમાં મળી આવેલી લાશનો ભેદ દાણીલીમડા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દેતાં એક રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પત્નીની શંકા અને રોજે રોજના ઝઘડાથી બચવા માટે રિક્ષા ડ્રાઇવરે તેની મહિલા મિત્રની ચપ્પાના ઘાતકી ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા કર્યા બાદ તેની લાશને રિક્ષામાં રાખીને સુએજ ફાર્મ પાસે તેનો નિકાલ કર્યો હતો.

ગઇ કાલે નારોલ નજીક આવેલ સુએજ ફાર્મ પાસે એક મહિલાની લોહીથી લાથપથ હાલતમાં લાશ પડી હોવાના સમાચાર કંટ્રોલ રૂમમાં મળતાં પોલીસ દોડતી થઇ હતી. અજાણી મહિલાએ બુરખો પહેર્યો હોવાથી તે મુસ્લિમ હોવાનું પોલીસે માની લીધું હતું અને તેની ઓળખ કરવા માટે બાતમીદાર સક્રિય કર્યા હતા.

આ સિવાય પોલીસ મહિલાના ફોટોગ્રાફ્સ વોટ્સએપ પર મુસ્લિમ વિસ્તારોમાં અને બાતમીદારોમાં મોકલી આપ્યા હતા. બાતમીદારોના કારણે મૃતક મહિલાનું નામ રેશમાબાનું હનીફ રાઠોડ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મહિલાનું નામ સામે આવતાંની સાથે પોલીસને તપાસ માટેનો રસ્તો ક્લીયર થઇ ગયો હતો. રેશમાબાનું તેના પતિ હનીફ રાઠોડ સાથે રહે છે અને તેની જુહાપુરામાં રહેતો અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા મુનિર મીરજા સાથે મિત્રતા હતી.

બન્ને વચ્ચે મિત્રતાની જાણ મુનિરની પત્નીને થઇ હતી. જેને કારણે તેના ઘર કંકાસ વધી ગયો હતો. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને મુનિરની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી. રેશમા ખાલી મિત્ર હોવાનું મુનિરે તેની પત્નીને સમજાવ્યું હતું તેમ છતાંય તે નહીં માનતાં વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી.

ગુરુવારે મુનિરે રેશમાને ફોન કરીને તેની પત્નીને સમજાવા માટે ઘરે બોલાવી હતી. જોકે રેશમાએ ઘરે આવવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ઘર સંસાર બચાવવા માટે મુનિરે રેશમાની હત્યા કરવાનું પ્લાનિંગ કરી દીધું હતું. તે દિવસે રાતે મુનિર અને રેશમા દાણીલીમડા ચાની કીટલી ઉપર ભેગાં થયાં હતાં.

ઘરે પત્નીને સમજાવવા આવવાની બાબતે બન્ને જણા વચ્ચે ચાની કીટલી પર સામાન્ય રકઝક થઇ હતી પરંતુ રેશમાએ ઘરે આવવાનો ઇન્કાર કરી દીધો હતો. રેશમા ગુસ્સામાં તેના ઘરે જવા માટે નીકળી ત્યારે મુનિરે તેને ઘરે મૂકી જવાનું કહ્યું. મુનિરની વાત પર ભરોસો કરીને રેશમા મુનિરની રિક્ષામાં બેસી ગઇ હતી. ઇસનપુર વિસ્તારમાં મિલ્લતનગર ખાતે રેશમા રિક્ષામાંથી ઊતરી ત્યારે મુનિરે તેના ગળામાં છરી મારી દીધી હતી.

મુનિરે ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકી દેતાં રેશમાનું મોત થયું હતું. લોહીથી લથપથ હાલતમાં રેશમાની લાશને મુનિર રિક્ષામાં મૂકીને નારોલ નજીક આવેલ સુએજ ફાર્મ પાસે ફેંકી દીધી હતી. પોલીસે બાતમીના આધારે વહેલી પરોઢે મુનિરની ધરપકડ કરીને રિક્ષા અને ચપ્પુ કબજે કરી લીધાં છે.

You might also like