લીંબડીના ધારાસભ્યના કૌટુંબિક ભત્રીજાની કરપીણ હત્યાથી સનસનાટી

અમદાવાદ: લીંબડીના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના કૌટુંબિક ભત્રીજાની કરપીણ હત્યાની ઘટનાએ ભારે સનસનાટી મચી ગઇ હતી. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી આગળની સઘન તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે લીંબડી તાલુકાના ભલગામડા ખાતે રહેતા હરનાથસિંહ અનીલસિંહ રાણા (ઉં.વ.ર૯) કે જે ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના કૌટુંબિક ભત્રીજા થાય છે.

હરનાથસિંહ અને તેનો મિત્ર ગોપાલસિંહ આ બંને જણા લીંબડીમાં ગેબનશા પીરની દરગાહ પાસે મોડી રાત્રે દારૂ પીવા ભેગા થયા હતા. દારૂ પીધા બાદ આ બંને વચ્ચે ઝઘડો થતાં ગોપાલસિંહે હરનાથસિંહ પર તૂટી પડી તેનું મોઢું પથ્થરથી છુંદી નાખી તેને મોતને ઘાટ ઉતારી નાસી છૂટયો હતો. આ ઘટનાની વાત લીંબડી ટાઉનમાં વાયુ વેગે પ્રસરતાં લોકોના ટોળે ટોળાં ભેગાં થયાં હતાં અને જાત જાતના તર્ક વિતર્ક થવા લાગ્યા હતા. પોલીસે નાસી છૂટેલા ગોપાલસિંહની સઘન શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે હરનાથસિંહ અને ગોપાલસિંહ રોજેરોજ લીંબડીમાં ગેબનશાહ પીરની દરગાહ પાસે દારૂ પીવા ભેગા થતાં હતાં. બંને વચ્ચે પૈસાની બાબતમાં થયેલા ઝઘડામાં અા ઘટના બની હોવાનું પોલીસ માની રહી છે.

You might also like