અચેર સ્મશાનગૃહ નજીક છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર સ્મશાનગૃહ નજીક મોડી રાત્રે અજાણ્યા શખસે એક યુવકની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ સાબરમતી પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી મોટેરા રોડ પર આવેલા ગાંધીવાસ વિભાગ-૨માં જેશીંગજી હરચંદજી ઠાકોર (ઉં.વ. ૩૩) નામનો યુવક રહેતો હતો. જેશીંગજી છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો.

ગત મોડી રાત્રે કોઈ કારણસર જેશીંગજી અચેર છારાનગર સ્મશાનગૃહ નજીક ગયા હતા. જ્યાં કોઈ
અજાણી વ્યક્તિ તેઓના શરીરના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આ બાબતે સાબરમતી પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. એફએસએલની ટીમને પણ જાણ કરાતાં તે પણ આવી પહોંચી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. અંગત અદાવલતમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે જોકે આરોપી પકડાયા બાદ સાચી હકીકત બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

You might also like