તેં મને કેમ માર્યો હતો? તેમ કહી યુવકના પેટમાં છરી હુલાવી દીધી

અમદાવાદ: શહેરમાં દર બીજા કે ત્રીજા દિવસે હત્યાનો બનાવ બને છે. ગત મોડી રાત્રે નિર્ણયનગર વિસ્તારમાં રહેતા એક યુવકને તેં મને કેમ માર્યો હતો તેમ કહી છરીના ઘા મારી ત્રણ શખસોએ તેની હત્યા કરી નાખી હતી. જૂના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરાતાં વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિર્ણયનગર સેકટર-૭માં બળદેવભાઇ ભગવાનભાઇ રબારી (ઉ.વ.૪૬) પોતાના પરિવાર સાથે રહે છે. બળદેવભાઇનો પુત્ર આકાશ રબારી (ઉ.વ.ર૧) અભ્યાસ કરતો હતો. નવા વાડજ સ્વામિનારાયણપાર્ક ખાતે રહેતા પાર્થ ઉર્ફે પાવડર પન્નાલાલ જીંગર નામના યુવક સાથે બે દિવસ અગાઉ આકાશને કોઇ બાબતે ઝઘડો અને મારામારી થઇ હતી.

આ ઝઘડાની અદાવત રાખી આકાશ ગત રાત્રે નવા વાડજ પોસ્ટ ઓફિસ પાસે ઊભો હતો ત્યારે બાઇક અને એક્ટિવા ઉપર પાર્થ ઉર્ફે પાવડર, રોહિત ઉર્ફે મહેશ કનૈયાલાલ સોની (રહે. અંબિકા ગાર્ડન, રાણીપ) અને અમન આવ્યા હતાં અને પાર્થે આકાશને ‘તેં મને કેમ માર્યો હતો કહી’ તેની સાથે ઝઘડો કરી પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. અચાનક જ છરી વડે હુમલો કરાતાં આસપાસના લોકો અને તેના મિત્રો દોડી આવ્યા હતા અને આકાશને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવ બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ વાડજ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

You might also like