મોરબીમાં ખૂની જામીન પર છૂટ્યો તો થઈ હત્યા, વડોદરામાં પિતાએ કરી પુત્રની હત્યા

અમદાવાદ, સોમવાર
પોલીસમેનનાં ખૂનના ગૂનામાં જામીન પર છૂટેલા શખસની ગોળીબાર કરી હત્યા
મોરબીમાં જાહેર રોડ પર એક યુવાનની ગોળી ધરબી દઇ હત્યા કરવામાં આવતા ભયનું વાતાવરણ ફેલાયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર મહિના અગાઉ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા થઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા શક્તિ ઉર્ફે પેંડાના સાગરિત ઋષિરાજ સરવૈયાની પોલીસે ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો. તાજેતરમાં ઉપરોક્ત હત્યાના આરોપસર જેલ ભોગવી રહેલો ઋષિરાજ જામીન પર છૂટ્યો હતો. ઋષિરાજ સરવૈયા ગઇકાલે બપોરે આશરે બારેક વાગ્યાના સુમારે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટી પાસે આવેલા મેડિકલ સ્ટોર નજીક ઊભો હતો ત્યારે ચાર થી પાંચ બુકાનીધારી અજાણ્યા શખસો અચાનક જ આવી ચડ્યા હતા અને ઋષિરાજના પીઠના ભાગે ગોળીઓ ધરબી ગઇ તેની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બેકાર પુત્રએ પૈસાની માગણી કરતાં પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
બેકાર પુત્રએ વારંવાર પૈસા માગી પિતાને હેરાન કરતા પુત્રથી વાજ આવી ગયેલા પિતાએ તેના અન્ય પુત્ર સાથે મળી બેકાર પુત્રની હત્યા કરતા પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી પિતા સહિત બેની ધરપકડ કરી છે. વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં શંકરબાગ ખાતે રહેતા છત્રસિંહ ફતેસિંહ દરબારનો ૩૭ વર્ષનો પુત્ર રાજેન્દ્રસિંહ કંઇ કામધંધો કરતો ન હતો અને અવારનવર તેના પિતા છત્રસિંહ પાસે પૈસાની માગણી કરી ઝઘડો કરતો હતો. ગઇકાલે સાંજે પણ રાજેન્દ્રસિંહે ઘરે આવી તેના પિતા પાસે પૈસાની માગણી કરતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે તેનો બીજો પુત્ર ગોપાલસિંહ આવી જઇ દરમ્યાનગીરી કરી હતી ત્યારબાદ મામલો બિચકતા રાજેન્દ્રસિંહે ચપ્પુથી પિતા છત્રસિંહ પર હુમલો કરતા ઉશ્કેરાયેલા ગોપા‌લસિંહ અને છત્રસિંહે બોથડ પદાર્થનો ફટકો રાજેન્દ્રસિંહના માથામાં ઝીંકતા તેનું સારવાર મળે તે પહેલાં મોત થયું હતું.

You might also like