બિહારમાં અપરાધીઓને કાયદાનો કોઇ ડર નહીં..ખુલ્લેઆમ બે એન્જિનીયરને ગોળીએ વિંધ્યા

પટણા: બિહારમાં નવી સરકારની રચના થયે એક મહિનાથી વધારેનો સમય થઇ ગયો છે પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ જરાએ ઓછી થઇ નથી. સમગ્ર રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યાના કેસોમાં દિવસે દિવસે વધારો થયો છે ત્યારે આવી જ એક વધારે ઘટના ગઇ કાલે શનિવારે દરભંગામાં ઘટી. દરભંગામાં એક ખાનગી રોડ કંપનીમાં કામ કરનારા બે એન્જિનીયરોની દિવસ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મોટરસાઇકલ પર આવેલા ગુંડા તત્વોએ દરભંગાના બહેરીમાં રોડનું નિર્માણ કરાવી રહેલા આ બંને એન્જિનીયરને ગોળી મારી દીધી હતી.

નિર્માણ કંપનીએ પાસેથી મળેલી જાણકારી અનુસાર કેટલાક અસમાજીક તત્વો દ્વારા ત્રણ દિવસ પહેલાં જ તેમની કંપની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો તેમને પૈસા આપવામાં નહીં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી છે અને તેમની પુછપરછ કરી રહી છે.

ઘટના અનુસાર એસએચ 88 પર બહેરીમાં ગોળીઓનો અવાજ સાંભળીને અફરા તફરી મચી ગઇ હતી. આજુબાજુ હાજર રહેલા લોકો કંઇ પણ સમજે તે પહેલાં જ બાઇક પર આવેલા ચાર બદમાશો એક ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજર મુકેશકુમાર અને એન્જિનીયર બ્રિજેશકુમારને ગોળીએ વિંધી દઇને ત્યાંથી રવાના થઇ ગયા હતા. આ બંને વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તે પહેલાં જ બંનેનું મૃત્યું થઇ ચુક્યું હતું.

You might also like