અસારવામાં ગડદાપાટુનો માર મારી ફ્રૂટ વેચનારની હત્યા

અમદાવાદ: અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ ચમનપુરાની પતરાંવાળી ચાલીમાં ગઇ કાલે ધોળા દિવસે ૪પ વર્ષીય વ્યકિતની જાહેરમાં હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંગત અદાવતમાં બે યુવકોઓએ ભેગા મળીને એક વ્યકિતને જાહેરમાં ગડદાપાટુનો માર માર્યો હતો. મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે

અસારવા વિસ્તારમાં આવેલ ચમનપુરાની પતરાંવાળી ચાલીમાં ૪પ વર્ષીય રાયમલ કાંતિભાઇ પટણી ફ્રૂટની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે ધોળા દિવસે પતરાંવાળી ચાલીમાં રહેતા સામુભાઇ બાબુભાઇ પટણી અને અ‌િનલ પટણી નામના યુવકોએ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને રાયમલભાઇ સાથે બબાલ શરૂ કરી હતી. જોતજોતામાં બન્ને યુવકોએ રાયમલભાઇને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું અને હાથ પર ચપ્પાનો એક ઘા ઝીંકીને તેઓ ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત રાયમલભાઇને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ રાયમલભાઇને મૃત જાહેર કર્યા હતા. રાયમલભાઇના પુત્ર સુરેશે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અનિલ પટણી વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. આ મુદ્દે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. પુન‌િડયાએ જણાવ્યું છે કે રાયમલભાઇની હત્યા કરીને બન્ને આરોપીઓ ફરાર થઇ ગયા છે, તેમની ધરપકડ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.

You might also like