સાથે દારૂ પીતા હતા, સામાન્ય મજાકમાં એક મિત્રએ બીજાને છરી મારી પતાવી દીધો

અમદાવાદ: અમદાવાદના સરસપુર વિસ્તારમાં મોડી રાતે દારૂ પીવા માટે બેઠેલા ત્રણ મિત્રો વચ્ચે સામાન્ય મજાક મસ્તીમાં ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. બોલાચાલી દરમિયાન દારૂના નશામાં ધુત એક યુવાને પિતા સાથે મળીને તેના મિત્રની ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઈ છે. શહેર કોટડા પોલીસે પિતા પુત્ર વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

સરસપુર વિસ્તારમાં આવેલા પુષ્પરાજ એસ્ટેટની બાજુમાં કેપરીકોન હોટલ પાસેના બાંકડા પર ગઇકાલે રાતે ત્રણ મિત્રો પ્રમોદ ઉર્ફે પપ્પુ જગજીવન વાઘેલા, ઘવલ નરોત્તમ રાણા અને રિતેશ રાજવંશ દારૂ પીવા માટે બેઠા હતા. ત્રણેય મિત્રો એકબીજાની પરસ્પર મજાક મસ્તી કરતા હતા તેવામાં રિતેશેે ધવલને બોલપેન મારી હતી. રિતેશની આ હરકતને લઇને ધવલ ઉશ્કેરાઇ ગયો હતો અને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જોતજોતામાં બન્ને વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ હતી બબાલ શાંત પાડવામાં માટે પ્રમોદે બન્ને મિત્રોને છોડાવવાની કોશિશ કરી હતી. જોકે તેજ સમયે ધવલના પિતા નરોત્તમ રાણા પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને રિતેશને મારવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે ધવલે તેની પાસે રહેલી છરી વડે રિતેશ ઉપર ઘા ઝીકવાના શરૂ કરી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં રિતેશ ફસડાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું.

શહેરકોટડા પોલીસે પ્રમોદની ફરિયાદના આધારે રિતેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ત્યારે ધવલ અને તેના પિતા વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી છે.

You might also like