ભર નિદ્રામાં સૂઈ રહેલા ડ્રાઈવરની બસમાં જ છરીના ઘા ઝિંકી હત્યા

અમદાવાદ: હાલોલ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરની મોડી રાતે કાંકરા-ડુંગરી ગામે કોઈ અજાણ્યા શખસોએ કરપીણ હત્યા કરતાં અા ઘટનાએ ચકચાર ફેલાવી છે.  હાલોલ એસટી ડેપોની બસનું રાત્રી રોકાણ કાંકરા-ડુંગરી ગામે હોય છે. બસના ચાલક અને કન્ડક્ટર રાત્રે બસ બસસ્ટેન્ડમાં જ પાર્ક કરી બસમાં જ ઊંઘી જાય છે અને સવારે ડ્રાઈવર અને કન્ડક્ટર વિદ્યાર્થીઓને લઈને હાલોલ અાવે છે. રોજના ક્રમ પ્રમાણે બસના ડ્રાઈવર તખતસિંહ અને કન્ડક્ટર નીલેશભાઈ ડામોર રાત્રે કાંકરા-ડુંગરી પહોંચ્યા બાદ જમી પરવારી બસમાં ઊંઘી ગયા હતા.

દરમિયાનમાં મોડી રાતે કોઈ અજાણ્યા હુમલાખોરોએ ત્યાં અાવી ભરઊંઘમાં સૂતેલા તખતસિંહ પર લોખંડની ટાેમી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા. અને કન્ડક્ટર નીલેશભાઈને ચૂપ રહેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી અાપી અા હત્યારાઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ અા અંગે પોલીસે ખૂનનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like