મ્યુનિ. શાળાના ૬ થી ૮નાં ૫૬,૦૦૦ બાળકો ‘સ્માર્ટ લર્નિંગ’ ભણશે

અમદાવાદ: મ્યુનિ. શાળાના ધોરણ છથી આઠનાં ૫૬,૦૦૦ બાળકોને આગામી શૈક્ષણિક વર્ષથી ‘સ્માર્ટ લર્નિંગ’ હેઠળ ભણાવવામાં આવશે. હાલમાં આ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષય ‘બાયસેક’ના માધ્યમથી ભણે છે, પરંતુ હવે આ વિદ્યાર્થીઓ ગુજરાતી, ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર જેવા વિષયો પણ ‘સ્માર્ટ લર્નિંગ’થી ભણશે.

અત્યારે વાસણાની શાળા નંબર ત્રણ-ચારને ‘મોડલ સ્કૂલ’ તરીકે વિકસિત કરાઈ છે, પરંતુ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭માં જૂના સીમાંકન હેઠળના ૪૩ વોર્ડમાં વોર્ડદીઠ એક શાળાને ‘મોડલ સ્કૂલ’ તરીકે વિક‌િસત કરાશે, જેમાં બાળકોને કમ્પ્યૂટર લેપટોપ, લેબ ટેકનિશિયન, કમ્પ્યૂટર કોર્ડિનેટર વગેરેની સુવિધા અપાશે. આ બંને પ્રોજેક્ટ માટે શાસનાધિકારી એલ.ડી.દેસાઈના ડ્રાફ્ટ બજેટમાં રૂ.એક કરોડની ફાળવણી કરાઈ છે.

રાજ્ય સરકારની ‘પ્રવાસી શિક્ષકો’ની યોજના પણ મ્યુનિ. શાળામાં લાગુ કરીને આશરે ૫૦૦ પ્રવાસી શિક્ષકની નિમણૂક કરી તેમને દરરોજનું રૂ.૩૦૦ માનદ વેતન ચૂકવાશે. ટેલેન્ટ હન્ટ હેઠળ ૫૦૦ વિદ્યાર્થીઓને અલગ તારવાયા હોઈ તેમને ઉનાળુ વેકેશનમાં વિવિધ પ્રકારના કલા-કૌશલ્ય, હસ્ત-કૌશલ્યની તાલીમ આપીને આર્થિક રીતે પગભર કરાશે, જે માટે રૂ.૧૦ લાખ ફાળવાયા છે.

એલ.ડી. દેસાઈએ આજે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નું ડ્રાફ્ટ બજેટ ચાલુ નાણાકીય વર્ષના રૂ.૬૩૪ કરોડના બજેટ કરતાં આશરે રૂ.૩૦થી ૩૫ કરોડનું ઓછું બજેટ રજૂ કરીને ‘વાસ્તવલક્ષી’ બજેટ મૂક્યું હોવાની ચર્ચા છે, જોકે સ્કૂલબોર્ડના બજેટમાં ૯૩.૬૮ ટકા રકમ તો શિક્ષકોના પગાર-ભથ્થાં પાછળ વપરાઈ જાય છે! વિદ્યાર્થીઓના વિકાસ માટે તો ફક્ત અને ફક્ત ૧.૪૪ ટકા રકમ જ વપરાય છે!

You might also like