મ્યુનિ. વિપક્ષના નેતાની પસંદગી માટે દિલ્હીથી નિરીક્ષક આવશે

અમદાવાદ: રાજ્યની જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે પ્રભાવી દેખાવ કર્યો છે, પરંતુ કોંગ્રેસી કલ્ચર મુજબ અમુક પંચાયતોમાં બળવો થયો છે જેના કારણે કોંગ્રેસના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પક્ષ નેતૃત્વ સામે જાહેરમાં અસંતોષ વ્યકત કર્યો હતો. આવા રાજકીય માહોલમાં હવે અમદાવાદ કોર્પોરેશનમાં લાંબા સમયથી ટલ્લે ચડેલો વિપક્ષના નેતાની પસંદગીનો મુદ્દો હાથ પર લેવાશે. આ માટે ખાસ દિલ્હીથી નિરીક્ષક આવશે. તા.રપમીએ સાંજે અથવા ર૬મીએ નિરીક્ષક પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ કોર્પોરેશન સહિત તમામ છ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પસંદગીની કવાયત હાથ ધરાશે.

દિલ્હીના નિરીક્ષકના રિપોર્ટના આધારે કોંગ્રેસ હાઇકમાન્ડ બે ત્રણ દિવસમાં અમદાવાદ સહિત છ કોર્પો.માં વિપક્ષના નેતાના નામની જાહેરાત કરશે. જોકે મ્યુનિ. કોંગ્રેસ કાર્યાલયમાં ભાવિ નેતાને લઇને જબરદસ્ત ઉત્સુકતા છવાઇ છે. રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારના મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત છ મહાનગરના પ્રમુખોએ રાજીનામાં અાપ્યાં હતાં. અા રાજીનામાંના મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તા. 26 ડિસેમ્બર બાદ વિચારણા હાથ ધરવામાં અાવશે.

અમદાવાદ સહિત રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો હતો તેમ છતાં પક્ષને બહુમતી મળી ન હતી, જેના કારણે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિત છ મહાનગરપાલિકાના પ્રમુખે રાજીનામાં અાપ્યાં હતાં. અા રાજીનામા અંગે પ્રદેશ કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, જોકે અા મામલે અાગામી તા. 26 ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકેની વરણી કરવામાં અાવ્યા બાદ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા શહેર પ્રમુખના રાજીનામા બાદ તેમને પ્રમુખપદે યથાવત્ રાખવા કે તેમના સ્થાને અન્યની વરણી કરવી તે અંગેની વિચારણા કરવામાં અાવશે.

You might also like