મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Property Tax અંગે ઝોન દીઠ લોકદરબારનું આયોજન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સની વાંધાઅરજીના નિકાલ હેતુ આગામી તા.૨૦ થી ૨૫ મેની વચ્ચે ઝોનલદીઠ એક લોકદરબારનું આયોજન કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

તંત્ર માટે ઓકટ્રોય નાબૂદી બાદ આવકની દૃષ્ટિએ પ્રોપર્ટી ટેક્સ વિભાગ એકમાત્ર મુખ્ય સ્રોત છે. તેમ છતાં દર નાણાકીય વર્ષના અંતે પ્રોપર્ટી ટેક્સ વિભાગ પોતાનો નિર્ધારિત લક્ષ્યાંક મેળવવામાં નિષ્ફળ નીવડે છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નવા પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ એટલે કે રૂ.૨૨૬.૩૪ કરોડની આવક મેળવાઈ હતી.

જ્યારે ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછી રૂ.૭૩.૬૧ કરોડની આવક મેળવનાર ટેક્સ વિભાગના સત્તાવાળાઓ સમગ્ર શહેરમાંથી કુલ રૂ.૮૦૫.૭૫ કરોડની જ આવક પ્રાપ્ત કરી શક્યા હતા. જ્યારે કમિશનર મૂકેશકુમારનો આવકનો સુધારિત લક્ષ્યાંક રૂ.૮૫૦ કરોડનો હતો.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના આરંભની સાથે રાબેતા મુજબ ગત તા.૯ એપ્રિલથી પ્રામાણિક કરદાતાઓને એડ્વાન્સમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા પ્રોત્સાહિત કરવા માટે તંત્ર દ્વારા એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરાઇ હતી.

આ યોજનાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો અને મ્યુનિસિપલ તિજોરીને કુલ રૂ.૩૩૦.૦૯ કરોડની આવક થઈ હતી, જેમાં પશ્ચિમ ઝોન રૂ. ૯૯.૫૫ કરોડની આવક સાથે અવલ નંબરે હતો તો પૂર્વ ઝોનમાંથી તંત્રે માત્ર રૂ.૨૨.૭૧ કરોડની આવક મેળવી હતી.

દરમિયાન મ્યુનિસિપલ તંત્ર સમક્ષ પ્રોપર્ટી ટેક્સને લગતી ૧પ હજારથી વધારે વાંધાઅરજીનો ઢગલો થતાં કમિશનર મૂકેશકુમારના આદેશથી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઝોનદીઠ લોકદરબાર યોજવાની કવાયત હાથ ધરાઇ છે, જોકે આ લોકદરબારમાં સ્થળતપાસ માગતી અરજીનો નિકાલ લાવવાનું શક્ય બનવાનું નથી.

You might also like