મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે ખરીદશે રમકડાં

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સત્તાધીશો અગાઉનાં વર્ષોમાં રાષ્ટ્રીય પુરુષો, રાષ્ટ્રીય તહેવારો અને રાષ્ટ્રભક્તિને સાંકળતી યોજનાઓને પોતાનાં બજેટમાં જાહેર કરતા હતા. પરંતુ હવે સત્તાવાળાઓનો અંગ્રેજી માધ્યમ પ્રત્યેનો મોહ એટલી હદે વધ્યો છે કે અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રમકડાં ખરીદવાં રૂ.૨૫ લાખની ફાળવણી કરાઈ છે. જોયફૂલ લર્નિંગ ટોયઝ ફોર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ એવું સુંદર નામ ધરાવતી યોજના હેઠળ આ રમકડાં ખરીદશે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણનું રૂ.૬૭૧ કરોડનું બજેટ ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારનાં બાળકો માટે છેતરામણું છે. આ બજેટના ૯૪ ટકા રકમ તો સ્ટાફનાં પગાર-ભથ્થાં પાછળ ખર્ચાઈ જશે.

વિદ્યાર્થીઓ પાછળ માત્ર ૩.૧૭ ટકા રકમ ખર્ચાશે. અંગ્રેજી માધ્યમની વટવા, રામાપીરના ટેકરા વાડજ, ઈન્દ્રપુરી, જશોદાનગર, ઠક્કરબાપાનગર, સરસપુર, અસારવા, બારડોલપુરા, દૂધેશ્વર અને રાજપુર એમ દસ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની નવી શાળા બાંધવાની જાહેરાત સ્કૂલ બોર્ડના શાસકોએ કરી છે. જ્યારે એક પણ ગુજરાતી માધ્યમની નવી શાળાની જાહેરાત કરાઈ નથી.

નવનિર્મિત શાળાઓમાં બે અંગ્રેજી માધ્યમની છે જે ઈન્દ્રપુરી વોર્ડ અને ઈસનપુર વોર્ડમાં બની રહી છે. આને લગતી સ્કૂલ બોર્ડના સભ્ય મેધસિંહ ચૌધરીની ધીરેન્દ્રસિંહ તોમરના ટેકાવાળી દરખાસ્તને ચેરમેન પંકજસિંહ ચૌહાણે લીલી ઝંડી પણ આપી દીધી છે. બીજી તરફ ફંડના અભાવે ગરીબ વિદ્યાર્થીઓનું ઠંડી સામે રક્ષણ મેળવવા સ્વેટર ખરીદવાની ખાસ જરૂરી યોજના પડી ભાંગી છે.

You might also like