શહેરીજનોને ઉનાળામાં બોરનું પાણી પીવાની ફરજ પડશે

અમદાવાદ, શનિવાર
રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા શેઢી કેનાલનું રૂ.૧૪પ કરોડના ખર્ચે રિપેરિંગ કામ હાથ ધરાનાર હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પાણીની તંગી દૂર કરવા નવા ૩૦ બોર બનાવીને વધારાનું દૈનિક પ૦ એમએલડી પાણી મેળવવાનું આયોજન કરાયું છે.

તંત્ર દ્વારા પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ પંચશીલ, ઉસ્માનપુરા, કેશવનગર, નવા પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા, નિર્ણયનગર મેમનગર, વેજલપુરમાં બળદેવનગર અને દેવાસ, ઘાટલોડિયા ગામ, સરખેજ પોલીસ હાઉસિંગ, મધ્ય ઝોનમાં માધુબાગ, સહારા મિલ, કલાપીનગર, દક્ષિણ ઝોનમાં દાણીલીમડા, વટવા માહીમાતા, પૂર્વ ઝોનમાં વિવેકાનંદનગર, વિનોબાભાવે નગર, વિંઝોલ, હાથીજણ, રામોલ સાત તલાવડી, ઓઢવ ત્રણ અને જળેશ્વર, મહાવીરનગર, નિકોલ ૧૦૧ અને ૧૦ર, મુક્તિધામ ઉત્તર ઝોનમાં નરોડા જલ્પા, નોબલનગર એમ કુલ ૩૦ પાણીની ટાંકી સંલગ્ન નવા બોર બનાવવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે. જો કે બોરના નિર્માણ માટે પર્યાપ્ત જગ્યાનો અભાવ હશે તેવા સંજોગોમાં અન્યત્ર પણ બોર બની શકે છે.

હાલમાં તંત્રની માલિકીના જે તે પાણીની ટાંકીને સંલગ્ન કુલ ર૧૪ બોર છે. જેમાંથી દૈનિક ૧ર૦ એમએલડી પાણી મેળવાઇ રહ્યું છે. પરંતુ ઉનાળાના દિવસોમાં બમણું એટલે કે દૈનિક ર૪૦ એમએલડી પાણી પ્રાપ્ત કરાશે. ગત ગુરુવારની સાંજથી શેઢી કેનાલને બંધ કરાઇ હોઇ શહેરીજનોને મંગળવારની સવારથી રાસ્કાનો દૈનિક ર૦૦ એમએલડી પાણીનો પુરવઠો મળતો બંધ થઇ જશે. એટલે મંગળવાર સવારથી દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં પાણીની કટોકટી સર્જાશે.

દરમ્યાન સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને સાંજના પુરવઠા બાબતે પૂછતાં તેઓ કહે છે, નર્મદાનું વધારાનું ૧૦૦ એમએલડી પાણી અને બોર દ્વારા ૧૦૦ એમએલડી મળીને કુલ ર૦૦ એમએલડી પાણી મેળવીને રાસ્કા બંધ થવાથી પડેલી ર૦૦ એમએલડી પાણીની ખોટ સરભર કરાશે. એટલે સાંજનો પાણીનો પુરવઠો હાલ યથાવત્ જળવાઇ રહેશે.

You might also like