Ahmedabad શહેરમાં દૂધની ડેરીઓ પર મ્યુનિસિપલ તંત્રના દરોડા

અમદાવાદ: મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ફલાઈંગ સ્કવોડ દ્વારા આજ સવારથી શહેરની વિભિન્ન ડેરીમાં દરોડા પાડીને દૂધના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે હેઠળ કુલ ૧૫થી વધુ સ્થળોએથી દૂધના નમૂના લઈને તેને નવરંગપુરા ખાતેની મ્યુનિસિપલ લેબમાં ચકાસણી માટે મોકલી અપાયા હતા. જેમાં અમરાઈવાડી સ્થિત ઉત્તમ ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂનાનો પણ સમાવેશ થાય છે.

રાજ્યના અમુક જિલ્લામાં ભેળસેળખોર વેપારીઓ દ્વારા યુરિયા વગેરે કેમિકલથી નકલી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના અહેવાલ તાજેતરમાં વહેતા થયા હતા. અમદાવાદમાં હજુ સુધી બનાવટી દૂધનો કોઈ કિસ્સો નોંધાયો હતો. શહેરમાં વેચાતા દૂધના ફેટનું પ્રમાણ ઓછું હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળે છે. નફાખોર દૂધમાં પાણી રેડીને દૂધની ગુણવત્તા સાથે ચેડાં કરવા સિવાય અન્ય હાનિકારક તત્ત્વોની ભેળસેળ કરતા નથી તેવું હેલ્થ વિભાગનાં સૂત્રો જણાવે છે.

આજ સવારથી હેલ્થ વિભાગની વિભિન્ન ફલાઈંગ સ્કવોડની ટીમ દ્વારા નારણપુરા, સ્ટેડિયમ, ઓઢવ એમ શહેરભરમાં આવેલી વિભિન્ન દૂધના ડેરીમાં દરોડા પાડીને દૂધના નમૂના લીધા હતા. આ લખાય છે ત્યાં સુધી પંદરથી વધારે નમૂના લેવાયા હોઈ તેને નવરંગપુરામાં આવેલી મ્યુનિસપિલ લેબમાં તપાસ અર્થે મોકલાયા છે. તમામ દૂધના નમૂનાનો રિપોર્ટ લેબમાંથી દસ દિવસમાં આવી જશે તેમ પણ આ સૂત્રો વધુમાં જણાવે છે.

You might also like