મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓને ‘રોકડ’માં પગાર ચૂકવવાની વિચારણા

અમદાવાદ: રાજ્યની અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓએ પણ ચાલુ નવેમ્બર માસનો પગાર ‘રોકડ’માં ચૂકવવાની માગણી તંત્ર સમક્ષ કરી છે. આ માગણીને પગલે મ્યુનિ. સત્તાવાળાઓએ સ્ટાફને ‘રોકડ’માં પગાર ચૂકવવાની દિશામાં સહાનુભૂતિપૂર્વકની વિચારણા હાથ ધરી છે.

મ્યુનિ. નાણાં વિભાગના ટોચનાં સૂત્રો કહે છે કે દર મહિને તંત્ર દ્વારા રૂ.૪૦ કરોડ પગાર પેટે અને રૂ.૧૭ કરોડ પેન્શન પેટે સ્ટાફને ચૂકવવામાં આવે છે. કોર્પોરેશનના આશરે ર૪,૦૦૦ કર્મચારીઓનાં પગાર અને પેન્શન પાછળ દર મહિને સરેરાશ રૂ.પ૭થી ૬૦ કરોડ ખર્ચાય છે. જોકે કોર્પોરેશનના સત્તાધીશો કાગડોળે રાજ્ય સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છે નાણાં વિભાગના ટોચના સૂત્રો ખાનગીમાં એવી પણ કબૂલાત કરે છે કે, મ્યુનિ. તિજોરીમાં આશરે રૂ.પ૭થી ૬૦ કરોડની ‘રોકડ’ ઉપલબ્ધ નથી, પરતુ ચોથા વર્ગના આશરે ૧૯થી ર૦ હજાર કર્મચારીઓને પગાર પેટે નીકળતા રૂ.૧૯.પ૦ કરોડની રોકડમાં ચૂકવણી કરવી શકય બને તેમ છે. એટલે કદાચ ચોથા વર્ગના કર્મચારીઓને પગાર-પેન્શનમાં રોકડનો લાભ આપી શકાશે. આ અંગે સ્પષ્ટ ચિતાર એકાદ દિવસમાં આવી જશે.

You might also like