મ્યુનિ.ની ચૂંટણીનાં ભાવિ અંગે કાલે સુપ્રીમમાં અંતિમ સુનાવણી

અમદાવાદ: અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની તા. ૨૨ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીના ભાવિ અંગે અાવતીકાલે તા. ૧ ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ ફેંસલો કરશે. મહાનગરપાલિકામાં એક વોર્ડ દીઠ એક કોર્પોરેટર હોવો જોઈઅે તેવી માગણી કરતી પિટીશન પર સુપ્રીમ કોર્ટમાં અાવતીકાલે અંતિમ સુનાવણી છે. સુપ્રીમ કોર્ટ જો એક વોર્ડ એક કોર્પોરેટરની માગણી સ્વીકારે તો મહાનગરપાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા રદ થાય તેવી શક્યતા છે.

જો કે સુપ્રીમ કોર્ટે હાલની ચૂંટણી કોર્ટ હાલની ચૂંટણી પ્રક્રિયા રદ ન કરીને એક વોર્ડે એક કોર્પોરેટરનો અમલ ૨૦૨૦ની ચૂંટણીમાં કરવાનો પણ અાદેશ અાપી શકે છે. સુપ્રીમ કોર્ટમાં તા. ૨૪ નવેમ્બરે અા અંગેની સુનાવણી યોજાવાની હતી. જો કે રાજ્ય સરકારે જવાબ રજૂ ન કરતા હવે અાવતીકાલે સુનાવણી થશે.

અમદાવાદ કોર્પોરેશન સહિત રાજ્યની છ કોર્પોરેશનમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ ચૂંટણી સમયસર યોજાશે કેમ? તે અંગે પણ અનેક પ્રકારના તર્કવિતર્ક ઉઠયા હતા. તેમજ રાજકીય માહોલ એક પ્રકારે અસ્પષ્ટ હતો. ચૂંટણી પર સ્ટે મૂકવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી અપીલ કરાઇ હતી. આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં એક વોર્ડમાં એક કોર્પોરેટર મુદ્દે અંતિમ સુનાવણી યોજાશે.

વડોદરાના કોંગ્રેસના કાર્યકર સામંતસિંહ પરમાર સહિત ચાર નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે મુંબઇ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ એક વોર્ડ એક કોર્પોરેટર પ્રથા અમલી છે. ત્યારે ગુજરાતના કોર્પોરેશનોમાં રાજકીય લાભ લેવા માટે એક વોર્ડ ચાર કોર્પોરેટરની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેેના કારણે કોર્પોરેટરોની જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે એટલું જ નહીં સ્થાનિક રહેવાસીઓએ કયા કોર્પોરેટર પાસે જઇ પોતાની રજૂઆત કરવી તેની પણ સમસ્યા ઉદભવે છે. જેના કારણે ગુજરાતમાં પણ એક વોર્ડ એક કોર્પોરેટરની પ્રથા લાગુ કરવી જોઇએ. આની સાથે સાથે સુપ્રીમમાં મામલો વિચારાધીન હોવા છતાં રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં અરજદારોએ કોપર્પોરેશનની ચૂંટણી તા.રર નવેમ્બરે યોજાનારી ચૂંટણી પર સ્ટે આપવા માગણી કરી હતી.

જોકે સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ચૂંટણીઓ જાહેર કરાઇ હોવાથી અરજદારોને અમદાવાદ સહિતની છ કોર્પોરેશનની ચૂંટણી પર સ્ટે આપવા ઇનકાર કર્યો હતો. પરિણામે ગઇ કાલે ચૂંટણી યોજાઇ ગઇ. અલબત્ત ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ર૪ નવેમ્બરે એક વોર્ડ એક કોર્પોરેટર મામલે સુનાવણી હાથ ધરાશે અને જો તેમાં એક વોર્ડ એક કોર્પોરેટરની તરફેણમાં ચુકાદો આવશે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ ગણાશે અને ફરીથી ચૂંટણી યોજવી પડશે.

You might also like