મહારાષ્ટ્ર નગરપાલિકાની ચારેય સીટ પર ભાજપે કબજો જમાવ્યો

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપે જામનેર, વૈજાપુર, દેવરૂખ અને અજરા બેઠક પર કબજો જમાવી લીધો છે. આ તમામ નગરપાલિકાની સીટ માટે ગત ૬ એપ્રિલે મતદાન થયું હતું.

આ ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાન ગિરીશ મહાજનનાં પત્ની અને પાર્ટીનાં ઉમેદવાર સાધના મહાજને જલગાંવ જિલ્લાના જામનેરના પ્રમુખ પદ પર વિજય મેળવ્યો છે. તેમણે એનસીપીના ઉમેદવાર અંજલી પવારને ૮૪૦૦ મતથી હરાવ્યા છે, જ્યારે શિવસેનાએ વૈજાપુરની નગર પરિષદની ચૂંટણીમાં ૧૩ સીટ પર વિજય મેળવ્યો છે, પરંતુ નગર અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે, જેમાં ભાજપના નગર અધ્યક્ષના પદનાં ઉમેદવાર શિલ્પા પરદેશી ૧૭૬૪ મતથી વિજેતા થયાં છે.

તેમણે શિવસેનાના ઉમેદવારને હરાવ્યા છે. વૈજાપુર નગર પરિષદમાં કુલ ૨૩ સીટ છે તેમાંથી ૧૩ સીટ પર શિવસેના, ૯ સીટ પર ભાજપ અને કોંગ્રેસને એક સીટ મળી છે.

શિલ્પા પરદેશીના પતિ દિનેશ પરદેશી કોંગ્રેસમાં હતા, પરંતુ ચૂંટણી વખતે ભાજપે તેમને તેમના પક્ષમાં લઈ લીધા હતા અને તેમનાં પત્નીને શહેર પ્રમુખના ઉમેદવાર બનાવ્યા હતા. તેના કારણે ભાજપનો લાભ થયો છે, જોકે આ બેઠક શિવસેના માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવતી હતી, કારણ આ વિસ્તારમાં શિવસેનાનું ભારે વર્ચસ્વ છે, પરંતુ શિવસેનાના જિલ્લા પ્રમુખ અંબાદાસ દાનવે વિજય મેળવી શક્યા ન હતા.

બીજી તરફ કણકવલી નગરપાલિકાની ચૂંટણીમાં નારાયણ રાણેની મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી (એમસીપી)એ ૧૭માંથી ૧૧ સીટ પર વિજય મેળવ્યો છે.

You might also like