બાળકોના ઘડતર માટે શરૂ થયેલ,૨.૯૪ કરોડના ખર્ચે બનાવાયેલા સ્કાઉટ ભવન વેરાન, તંત્ર દ્વારા ઉપેક્ષા

બાળકોમાં બાળપણથી જ સંસ્કારનું સિંચન થાય તથા સક્ષમ સમાજઘડતર અને ચારિત્ર્ય નિર્માણ માટે સ્કાઉટ ગાઇડ જેવી પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે હેતુથી પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૨.૯૪ કરોડના ખર્ચે પાલડી પાસે સ્કાઉટ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે શરૂઆતમાં આ સ્કાઉટ ભવન વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. અહીં મ્યુનિસિપલ કોર્પોરશનનાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ સરસ રીતે ચાલતી હતી પણ છેલ્લાં બે વર્ષમાં સ્કાઉટ ભવન વેરાન બની ગયું છે અને તંત્રને પણ સ્કાઉટ ભવન સામે જોવાની ફુરસદ નથી.

મ્યુનિસિપલ શાળાનાં બાળકો માટે આ સ્કાઉટ ભવન બનાવવામાં આવ્યું હતું. તા.16-2-2015ના રોજ આનંદીબહેનના હસ્તે આ સ્કાઉટ ભવનનું લોકાર્પણ કરવામાં હતું. સ્કાઉટ ભવનના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ હોલ, તાલીમ કક્ષ, બેઠક કક્ષ તેમજ પ્રથમ માળે સ્કાઉટ કક્ષ તથા ગાઈડ કક્ષ અને સ્કાઉટની પ્રવૃત્તિઓ માટે આવતા સ્કાઉટ ગાઈડની જમવાની વ્યવસ્થા માટે શેડ સાથેનો કિચન બ્લોક પણ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ હોલનો કોઈ જ ઉપયોગ થતો નથી તેમજ સ્કાઉટ કક્ષ અને ગાઈડ કક્ષમાં ગંદકી જોવા મળે છે.

બીજી બાજુ અહીં મ્યુનિસિપલ કોર્પોરશનનાં બાળકો માટે સ્કાઉટ પ્રવૃત્તિઓ થતી હતી, જેવી કે એક દિવસીય કેમ્પ, બે દિવસીય કેમ્પ, સેના નાયક, દલ નાયક, વૃંદ નાયક, રાજય પુરસ્કાર એવોર્ડ, સ્કાઉટ ગાઈડ જિલ્લા રેલી, કબ-બુલબુલ ઉત્સવ તથા ડિઝાસ્ટર જેવા વિવિધ કાર્યકમો અહીંયાં થતા હતા અને અહીંયાં કોર્પોરેશનનાં બાળકો આવતાં તે દરમિયાન
તેમને સ્કાઉટને લાગતી પ્રવૃત્તિઓ જેવી કે અભ્યાસ, સાહસિકતા, લીડર‌િશપ, સમૂહમાં કેમ રહેવું, સ્વચ્છતા-પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખવી, આવા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને અહીંયાં ‌િશખડવામાં આવતી હતી અને આ સ્કાઉટ ભવનની પ્રવૃત્તિઓમાં ૫૦૦૦થી ૭૦૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા.

છેલ્લાં બે વર્ષમાં રાજ્ય પુરસ્કાર સિવાય એક પણ કાર્યક્રમ અહીં થયો નથી તેમજ કાગળ પર બધા કાર્યક્રમોનું લિસ્ટ તો બનાવી દેવાયું છે પણ કોઈ પણ પ્રવૃત્તિ સ્કાઉટ ભવનમાં થઇ રહી નથી સ્કાઉટ ભવનમાં જે બે કર્મચારીઓ જોવા મળે છે તેમને પણ ઇન્ચાર્જમાં મૂકવામાં આવ્યા છે, એમના સિવાય કોઈ વ્યક્તિ અહીંયાં જોવા મળતી નથી.

સૂત્રોના આધારે જાણવા મળ્યું કે આખા વર્ષની પ્રવૃત્તિ માટેનું લિસ્ટ પણ અ‌િધકારીઓને આપી દેવાયું છે તથા ઘણા કાર્યક્રમોની પરવાનગી માગવામાં આવી છે તેમ છતાં પણ તેઓ આપતા નથી, જેથી કોઈ પ્રવૃત્તિ થતી નથી. અહીંયાં ઇન્ચાર્જ તરીકે જેમને રાખ્યા છે, તેમની પાસે કોઈ સત્તા નથી. જેથી આ સ્કાઉટ ભવનમાં કોઈ પ્રોગ્રામ કરી શકાય તેમ નથી.
પાલડી ખાતેના સ્કાઉટ ભવનમાં સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે, સૌ આગળ વધે તેના માટે નગર પ્રાથમિક શિક્ષણ તાલીમ ભવન અને વિકલાંગ બાળકોનું રિસોર્સ સેન્ટર પણ આવેલું છે તે પણ છેલ્લાં કેટલાંય વરસોથી ધૂળ ખાઈ રહ્યું છે.

આ સેન્ટર તાલીમાર્થી કે વિકલાંગ માટે કામમાં આવતું નથી. જ્યારથી આ ભવન બનાવવામાં આવ્યું ત્યારથી કોઈ પ્રવૃત્તિ માટે આ રિસોર્સ સેન્ટરનો પણ ઉપયોગ થતો નથી. આ ભવનમાં જ્યાં નજર કરવામાં આવે ત્યાં ગંદકી તેમજ ઘાસ ઉગેલું જોવા મળે છે તેમજ તંત્રને ભવનની દેખરેખ રાખવાનો પણ સમય નથી. આ ભવનનો જો બાળકો માટે ઉપયોગ થાય તો કેટલાંય બાળકોનું જીવન સાર્થક થઇ શકે તેમ છે.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે સ્કાઉટ ભવનમાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે અને સ્કાઉટને લગતી સાધન-સામગ્રી જેમ જરૂર પડે તેમ વાપરવામાં આવે છે. વધારાની સાધન-સામગ્રી ગોડાઉનમાં મૂકવામાં આવે છે. આ અંગે વધુ માહિતી જોઇતી હોય તો તમે અમારા શાસનાધિકારી સાથે વાત કરી શકો છો.

You might also like