મ્યુ.કોર્પો.ની છઠીએ બોર્ડ બેઠક મળશે: કમિટીઓની રચના થશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠક આગામી છઠી જાન્યુઆરીએ મળશે. જેમાં મ્યુ.કોર્પોરેશનની નવી ટર્મ માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવશે. મેયર ગૌતમ શાહના અધ્યક્ષસ્થાને મળનારી બોર્ડ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીની રચના કરવા અંગે બોર્ડ મિટિંગમાં ચર્ચા થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ત્રીજી વખત ભાજપે સત્તા સંભાળી છે ત્યારે આ વખતે મ્યુ.કોર્પોરેશનમાં મહિલા સભ્યોનો વધારો થયો છે તેથી આગામી બોર્ડ બેઠકમાં જે નવી કમિટીની રચના કરવામાં આવશે. તેમાં મહિલાઓને પણ વિશેષ સ્થાન મળે તેવી શક્યતા છે. ગૌતમ શાહે મેયર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મળનારી બોર્ડ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓના નવા ચેરમેન અને સભ્યોની વરણી બાદ તેની સતાવાર જાહેરાત કરવામાં આવશે. જેમાં સ્કૂલબોર્ડ સિવાયની વિવિધ ૧૩ કમિટીની રચના થશે.

આગામી બોર્ડ મિટીંગમાં જે વિવિધ કમિટીની રચના કરવામાં આવશે. તેમાં એએમટીએસ કમિટી, સ્ટાફ સિલેકશન એન્ડ એપોઈન્ટમેન્ટ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી, રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી, હોસ્પિટલ કમિટી, રિક્રીએશનલ, કલ્ચર એન્ડ હેરીટેજ કમિટી, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી, હાઉસિંગ, ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈ.ડબલ્યુ એસ આવાસ યોજના કમિટી, રેવન્યુ કમિટી, લીગલ કમિટી, મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઈઝ કમિટી તથા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીની રચના કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમવાર આવેલા સભ્યોમાં આ વખતે મહિલા સભ્યોની સંખ્યા પણ વિશેષ હોવાથી તેઓને કમિટીમાં સ્થાન મળવાની આશા છે. જોકે બે મહિલા અને બે પુરૂષ કાઉન્સિલરો ચૂંટાયા હોવાથી આ વખતે જે કમિટીઓની રચના કરવામાં આવશે તેમાં મહિલાઓને પૂરતુ પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા છે. તેથી નવા ચૂંટાયેલા સભ્યોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ છઠી જાન્યુઆરીએ મળનારી એએમસી બોર્ડ મિટિંગમાં વિવિધ કમિટીની રચના બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

You might also like