શોકિંગ!: મ્યુનિ.નું મેલેરિયા ખાતું જ મચ્છરોનું જનક

અમદાવાદ: સમગ્ર અમદાવાદને મેલેરિયાના મચ્છરોના ઉપદ્રવના મામલે સુફિયાણી સલાહ અાપી હજારો રૂપિયાનો દંડ ફટકારનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની ગંભીર અને ગુનાઇત બેદરકારી પ્રકાશમાં આવી છે. દીવા તળે અંધારું હોય તેમ મ્યુનિ. કોર્પોરેશનના મેલેરિયા વિભાગનો સ્ટાફ જ મેલેરિયાનો ભોગ બને તેવી આઘાતજનક સ્થિતિ લાંભા વોર્ડની સબ ઝોનલ ઓફિસની સર્જાઇ છે. આ ઓફિસ જ મચ્છરોનું જનક બન્યું છે. તેમ છતાં તંત્રમાં કોઇને પણ આની પરવા નથી તેમજ એકબીજા પર દોષારોપણ થઇ રહ્યું છે.

દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ માટે નારોલ-અસલાલી હાઇવે પર કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય સબ ઝોનલ ઓફિસ ઊભી કરી છે. કોર્પોરેશન દ્વારા જે તે પ્રોજેક્ટ પાછળ પાણીની જેમ પૈસા ઉડાવાય છે, પરંતુ મેન્ટેનન્સ બાબતે સાવ કંગાળ કામગીરીના કારણે લાંભા વોર્ડની આ સબ ઝોનલ ઓફિસ સ્થિત મેલેરિયા ખાતાની ઓફિસની સામે જ પે એન્ડ યુઝની તૂટેલી ગટરનાં પાણી ઊભરાયાં છે. આવા ગંદા પાણીમાં થઇ ખુદ મેલેરિયા સ્ટાફ અને મુલાકાતીઓને જવું પડે છે.

શહેરમાં ઠેર ઠેર ગંદકી ફેલાયેલ હોઇ અને તંત્રનું સ્વચ્છ ભારત અભિયાન ખાલી કાગળ પર હાથ ધરાતું હોવાથી આ વખતે મચ્છરજન્ય રોગચાળાએ ભારે ઉત્પાત મચાવ્યો છે. મેલેરિયાએ હાહાકાર મચાવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.  ખુદ કોર્પોરેશનના હેલ્થ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ ચાલુ વર્ષ ર૦૧૬માં ૧, જાન્યુઅારીથી ગત રર, ઓકટોબર સુધી સાદા મેલેરિયાના ૯૦૬ર કેસ, ઝેરી મેલેરિયાના ૧૧પપ કેસ, ચિકનગુનિયાના ૭ર કેસ,  ડેન્ગ્યૂના ૧૬૯૬ કેસ નોંધાયા છે. આની સામે ગત વર્ષ ર૦૧પમાં સાદા મેલેરિયાના કુલ ૬૮પ૭ કેસ, ઝેરી મેલેરિયાના કુલ ૧૪૮૧ કેસ, ચિકનગુનિયાના ૧૪ કેસ, ડેન્ગ્યૂના ર૧૬પ કેસ નોંધાયા હતા. બીજા અર્થમાં ગયા વર્ષની તુલનામાં મેલેરિયાના કેસમાં આ વર્ષે ર૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યૂએ પણ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં મચ્છરજન્ય રોગચાળાથી ર૩ થી વધુ દર્દીઓ મરણને શરણ થયા છે.

મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મુકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ખરેખર તો હવે તંત્ર શિયાળાની રાહ જોઇ રહ્યું છે. જોકે બીજી તરફ મચ્છરોના ઉત્પત્તી સ્થાન પર ત્રાટકવાની ઓનપેપર કામગીરી ચાલુ છે. કોર્પોરેશન મચ્છરોના બ્રી‌િડંગના મામલે કન્સ્ટ્રકશન સાઇટ સહિતનાં સ્થળોને ચકાસી રહ્યું છે. શહેરની સ્કૂલ, કોલેજો પર તંત્ર ત્રાટકી રહ્યું છે અને જે તે સ્થળ પર મચ્છરોને પોષક એવા ગંદા પાણીના કે ચોખ્ખા પાણીના ખાબોચિયા નજરે ચડે કે તુરંત જ સત્તાવાળા નોટિસ ફટકારવાનો દંડો ઉગામે છે.

પરંતુ આશ્ચર્યજનક રીતે કોર્પોરેશનની જ ઓફિસો મચ્છરોના ઉત્પત્તિસ્થાન બની છે. લાંભા વોર્ડ આનું ઉદાહરણ છે, જોકે રાબેતા મુજબ તંત્રના અધિકારીઓએ એકબીજા પર દોષારોપણ શરૂ કર્યું છે. દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડૉ. જી. ટી. મકવાણા કહે છે કે આ સમસ્યા માટે ઇજનેર વિભાગ જવાબદાર છે, જોકે છેલ્લા ૮ દિવસથી અહીંયાં ગટર ઊભરાયેલી છે. તેમ છતાં હેલ્થ વિભાગ કે ઇજનેર વિભાગે આ દિશામાં કોઇ પગલાં ભર્યાં નથી. એક પ્રકારે ખુદ તંત્રને આની પરવા નથી.

You might also like