કોર્પોરેશનમાં ડિસિલ્ટિંગ કૌભાંડઃ કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી નવાં કામ મુકાયાં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગટર લાઈનોની સાફસફાઈના કૌભાંડની કોઈને નવાઈ નથી રહી. તંત્રના મેટલ ડેપોમાં કરોડોની મશીનરી ધૂળ ખાતી પડી રહે અને કોન્ટ્રાક્ટરોને દર વર્ષે રૂ.૨૦ કરોડનાં કામોની લહાણી થાય. ખુદ મેયર ગૌતમ શાહે ડિસિલ્ટિંગનાં કામોના ભ્રષ્ટાચારની ઊંડી તપાસ કરાવવાની તંત્રને સૂચના આપી છે.
ગઈ કાલે મળેલી વોટર સપ્લાય કમિટીમાં જે તે મશીનરીનો ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મહિનાઓ પહેલાં પૂરો થયા બાદ નવાં કામ મંજૂરી માટે મુકાતાં નવો વિવાદ સર્જાયો છે. ડિસિલ્ટિંગનાં કામોમાં સત્તાધારી પક્ષના આગેવાનોની સંડોવણી હોવાના આક્ષેપને મેયર ગૌતમ શાહે પણ ગંભીરતાથી લીધાે છે, પરંતુ તંત્ર તો આજે પણ ‘જૈસે થે’ છે.

ગઈ કાલે વોટર સપ્લાય કમિટીમાં કોર્પોરેશનની માલિકીના આઠ આઈશર માઉન્ટેડ જેટિંગ મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સની દરખાસ્તે ચકચાર મચાવી હતી. આ કોન્ટ્રાક્ટ છેક નવેમ્બર-૨૦૧૫માં પૂર્ણ થયો હતો. જે ૧૩ મહિના બાદ નવેસરથી બે વર્ષ માટે કુલ રૂ.૨.૫૦ કરોડના ખર્ચથી કરાવવાની દરખાસ્તને સત્તાધીશોએ મંજૂરી આપી હતી. આ અંગે વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઈને પૂછતાં તેઓ કહે છે, આ કામ રિટેન્ડર થયું હોઈ તેમાં વિલંબ થયો છે!

જોકે તંત્રનાં ચાર સક્શન મશીનનો કોન્ટ્રાક્ટ મે-૨૦૧૬માં પૂર્ણ થયો હતો, છ હાઈફલો જે‌િટંગ મશીનનો કોન્ટ્રાક્ટ પણ મે-૨૦૧૬માં પતી ગયો હતો. આ બંને કોન્ટ્રાક્ટ માટે પણ ગઈ કાલની જ કમિટીમાં નવેસરથી દરખાસ્ત મુકાઈ હતી. આ તો ઠીક તંત્રએ બાહોશીપૂર્વક અન્ય ચાર દરખાસ્તમાં જૂનો કોન્ટ્રાક્ટ ક્યારે પત્યો હતો તેના ઉલ્લેખનો જ દરખાસ્તમાંથી છેદ ઉડાડી દીધો હતો, જોકે વહીવટીતંત્ર તેમજ ચૂંટાયેલી પાંખની આંખ આડા કાન કરવાની નીતિરીતિએ મ્યુનિસિપલ વર્તુળોમાં ફરીથી વિવાદનાં સર્જ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like