મ્યુનિ.ના જન્મ-મરણ નોંધણી વિભાગમાં ‘એજન્ટોનું રાજ’

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનની ખમાસા-દાણાપીઠ ખાતે આવેલી મુખ્યાલયની જૂની બિલ્ડિંગની બીજે માળે આવેલી જન્મ-મરણ વિભાગની ઓફિસના પગથિયાં ચઢતાં સામાન્ય નાગરિકોને ધોળે દિવસે તારા જોવા મળે છે, કેમ કે જન્મ-મરણ વિભાગમાં એજન્ટોનું રાજ ચાલે છે. એજન્ટ મારફતે આવતી અરજીનો નિકાલ તંત્રમાં ચપટી વગાડતાંની સાથે થઇ જાય છે. જ્યારે સામાન્ય નાગરિકોને મહિના-મહિના સુધી ધરમધક્કા ખાવા પડે છે.

શહેરની ૭પ૦ હોસ્પિટલમાં જન્મ-મરણનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાની દિશામાં હિલચાલ આરંભનારા જન્મ-મરણ વિભાગે પહેલાં પોતાના ઘરની સાફસૂફી કરવાની જરૂર છે, કેમ કે જન્મ-મરણ વિભાગમાં જન્મના નામ દાખલ કે સુધારાના કામ માટે આવતા શહેરીજનોને એજન્ટોની કનડગત છૂટકે-નાછૂટકે સહન કરવી પડે છે, કેમ કે એજન્ટોને નાણાંની પ્રસાદી ધર્યા વગર કોઇ પણ અરજી જન્મ-મરણ વિભાગમાં એક ડગલું પણ આગળ વધતી નથી.

આમ તો તંત્ર પણ એજન્ટ રાજથી સુપરિચિત છે એટલેે ખુદ રજિસ્ટ્રાર ડો.અમિત એ. વેગડની ઓફિસ બહાર જ જન્મ-મરણના દાખલા માટે કોઇ પણ એજન્ટોએ અહીં ‘ઓફિસ લોબી’માં ઊભા રહેવું નહીં તેવી સૂચના દર્શાવતું સ્ટીકર જોવા મળે છે. અરજી સ્વીકારવાની બારી આગળ પણ જન્મ-મરણ-લગ્નની નોંધણીના કોઇ પણ કામ અંગે અરજદારે રૂબરૂ આવવું. એજન્ટો કે અન્ય ત્રાહિત વ્યકિતઓએ આવવું નહીં તેવું લખાણ છે.

તેમ છતાં અરજદારોને ફોર્મ આપતા ટેબલની સામેની ઓફિસ લોબીમાં એટલે કે રજિસ્ટ્રારની ઓફિસની બહાર જ એજન્ટોનો ઝમેલો જોવા મળે છે. અરજી સ્વીકારવાનો સમય બપોરના ૧રથી પ વાગ્યા સુધીનો છે, પરંતુ એજન્ટો વિભાગની ઓફિસમાં મોડી સાંજ સુધી આંટાફેરા મારે છે. કેટલાક એજન્ટો તો બારોબાર રજિસ્ટ્રારની ઓફિસમાં પણ ઘૂસી જાય છે.

જન્મ-મરણ વિભાગમાં આવતા અરજદારો પાસેથી એજન્ટો જે તે કામની જરૂરિયાત અને અગત્યતા મુજબ રૂ.૩,૦૦૦ સુધીની રકમ પડાવે છે! પરંતુ કોઇ પણ કામનો ઓછામાં ઓછો ભાવ રૂ.૧પ૦૦નો ચાલે છે. આટલી રકમ એજન્ટને ચૂકવાય કે તંત્રની મિલીભગતથી અરજદારની અરજીનો તત્કાળ નિકાલ થઇ જાય છે.

મ્યુનિ. જન્મ-મરણ વિભાગના રજિસ્ટ્રાર ડો.અમિત વેગડા કહે છે કે, “અમારા વિભાગ પાસે દરરોજની સરેરાશ ૩૦૦ અરજી આવે છે, જેમાં નામ દાખલની વધારે હોય છે. અરજી આવ્યા પછી ૧પ દિવસ બાદ કોઇ પણ સિવિક સેન્ટર પરથી જન્મ-મરણની નવી નકલ મેળવી શકાય છે.”

ગોતાના રહેવાસી વિજય સોલંકીના પિતાનું ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ મૃત્યુ થયું હતું, પરંતુ છ મહિના સુધી તેમના પિતાની મૃત્યુની ઓનલાઇન નોંધણી થઇ ન હતી. વિજયભાઇ જન્મ-મરણ વિભાગની ઓફિસ અને સિવિક સેન્ટરના ધક્કા ખાઇ ખાઇને કંટાળી ગયા. છેવટે ઓનલાઇન એન્ટ્રી થઇ તો તેમાં સરનામામાં તંત્રે લોચો મારતાં તેઓ ફોર્મ ‘બ’ ભરીને સુધારો કરવાની દોડધામમાં પડ્યા છે. વિજયભાઇ રોષભેર કહે છે કે આના બદલે કોઇ એજન્ટને પકડ્યો હોત તો મારું કામ ત્રણ-ચાર દિવસમાં પતી જાત.

એજન્ટોના ત્રાસ અંગે રજિસ્ટ્રાર ડો.અમિત વેગડા કહે છે કે, “અમારા વિભાગ તરફથી એજન્ટોના ત્રાસ પર અંકુશ મૂકવા તંત્રના સિકયોરિટી વિભાગને સાતથી આઠ વખત લેખિતમાં જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઇ પગલાં લેવાયાં નથી. મુખ્યાલય પરિસરમાં પણ એજન્ટો ફરે છે.”

કોર્પોરેશનના મુખ્યાલયની સિક્યોરિટી વ્યવસ્થાની જવાબદારી સેન્ટ્રલ ઓફિસના એક હેડ કલાર્ક સંભાળી રહ્યા છે. આ મહાશય પાસે સિક્યો‌િરટી અંગેનો કોઇ જ અનુભવ ન હોવા છતાં છેલ્લાં ત્રણ વર્ષથી સિક્યોરિટી ઓફિસર છે. આ પણ તંત્રનું એક પ્રકારનું ‘ધુપ્પલ’ જ છે.

સિક્યોરિટીનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સિદ્ધાર્થ ખત્રી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી, પરંતુ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી રાજેશ ભટ્ટ કહે છે, “જન્મ-મરણ વિભાગમાં એજન્ટોના ત્રાસ અંગે નાગરિકોની ફરિયાદો અમને મળી છે, જે અંગે યોગ્ય કાર્યવાહી કરાશે.”

You might also like