ર૪ નવેમ્બર સુધી સિવિક સેન્ટરમાં રદ નોટો સ્વીકારવા મામલે મ્યુનિ. અવઢવમાં

અમદાવાદ: દેશભરમાં લોકોને પડી રહેલી હાડમારીને દૂર કરવા કેન્દ્ર સરકારે હવે તમામ પેટ્રોલ પંપ, રેલવે, બસ મથકો એરપોર્ટ, સરકારી હોસ્પિટલોમાં રૂ.પ૦૦ અને રૂ.૧,૦૦૦ની ચલણમાંથી રદ કરાયેલી જૂની નોટોને આગામી તા.ર૪ નવેમ્બર સુધી ચલાવવાની પરવાનગી આપી છે. જોકે કેન્દ્રની આ પરવાનગીનો લાભ નાગરિકોને મ્યુનિ. સિવિક સેન્ટરોમાં આપવા અંગે કોર્પોરેશન અવઢવમાં છે.
ગત તા.૮ નવેમ્બરે કેન્દ્ર સરકારે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટ ચલણમાંથી રદ કરવાની સાથે સાથે આ નોટોનો ઉપયોગ પેટ્રોલ પંપ, રેલવે સહિત પસંદગીનાં ૧૦ સ્થળોએ ૧૦ નવેમ્બરની મધરાત સુુધી ચલાવવાની પરવાનગી આપી હતી. આ સમય મર્યાદામાં વધારો કરીને કેન્દ્ર સરકારે તા.૧૪ નવેમ્બરની મધરાત સુધીની છૂટ આપી છે.

મ્યુનિ. રેવન્યુ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, “કેન્દ્રની પરવાનગીથી ગત તા.૧૧ નવેમ્બરે મ્યુનિ. તિજોરીમાં રૂ.ર૬ કરોડ ઠલવાયા હતા. ગત તા.૧ર નવેમ્બરે રૂ.૧૪.૬૧ કરોડ અને ગઇ કાલે રૂ.૧૦.૪૯ કરોડની આવક તંત્રને થઇ હતી. આજે પણ તમામ સિવિક સેન્ટરોમાં પ્રોપર્ટી ટેકસ સહિતના બિલ જૂની નોટોમાં સ્વીકારાશે.” દરમિયાન મ્યુનિ. ટેકસ વિભાગના ટોચનાં સૂત્રો કહે છે કે જો કેન્દ્રની સૂચનાના આધારે તા.ર૪ નવેમ્બર સુધીની સમય મર્યાદા લંબાવાશે તો આજે સાંજે ૬-૦૦ વાગ્યે તમામ સિવિક સેન્ટર બંધ થઇ જશે, પરંતુ જો તેમ નહીં થાય તો આજના છેલ્લા દિવસના સંદર્ભમાં રાતના ૧૦-૦૦ વાગ્યા સુધી સિવિક સેન્ટર કાર્યરત રહેશે.

You might also like