સાત મ્યુનિ. સિવિક સેન્ટરોની આવક રોજેરોજ ખાનગી બેન્ક સીધી જમા લેશે

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનનાં સિવિક સેન્ટરોના ચલણ પર આડેધડ સિક્કા મારીને આશરે રૂ.ચાર કરોડના આર્થિક કૌભાંડના પગલે મ્યુનિ. તંત્ર દ્વારા નવો આદેશ બહાર પડાયો છે, જે મુજબ તંત્રનાં પાંચ શ્રેણીમાં વહેંચાયેલાં કુલ સાત સિવિક સેન્ટર પૈકી એ શ્રેણીનાં સાત સિવિક સેન્ટરની આવકને ખાનગી બેન્ક દ્વારા સીધેસીધી લેવાશે, જોકે આ આદેશના પગલે એક નવો વિવાદ સર્જાયો છે.

આ નાણાકીય ઉચાપત કૌભાંડમાં નાણાં વિભાગની પણ આડકતરી રીતે સંડોવણી બહાર આવી છે. નાણાં વિભાગના કેશિયર કાનન પટેલને ચુપચાપ સીએનસીડી વિભાગમાં ખસેડીને તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ પણ ફટકારાઇ છે. જે તે ઝોનના ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં નાણાં વિભાગ અને તેમાં પણ ટ્રેઝરી વિભાગ સામે ભારોભાર અસંતોષ ફેલાયો છે. નવા સકર્યુલર છતાં જે તે ઝોનના વહીવટી વિભાગના આસિ. મેનેજરના સહીસિક્કાથી ચલણ નાણાં વિભાગમાં જમા થાય છે. જે તે ઝોનના ટેક્સ વિભાગના વડા આ ચલણને ક્રોસ ચેક કરતા જ નથી. ટેક્સ વિભાગનાં ટોચનાં સૂત્રો કહે છે કે એક તો સ્ટાફની અછત છે, આધારકાર્ડની કામગીરી ચાલે છે, બિલિંગની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જો તમામ કામગીરી ટેક્સ વિભાગ કરશે તો નાણાં વિભાગના એકાઉન્ટન્ટ, કેશિયર શું કરશે? નાણાકીય ઉચાપત કૌભાંડમાં ટ્રેઝરી વિભાગની કોઇ જવાબદારી થતી નથી?

કોર્પોરેશનના ઉત્તર ઝોનના મેમ્કો સિવિક સેન્ટર, દ‌િક્ષણ ઝોનના મણિનગર સિવિક સેન્ટર, મધ્ય ઝોનના દાણાપીઠ અને રિલીફરોડ સિવિક સેન્ટર, પશ્ચિમ ઝોનના ઉ‌સ્માનપુરા અને લો ગાર્ડનના સિવિક સેન્ટર તેમજ નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ સિવિક સેન્ટર એમ ‘એ’ શ્રેણીનાં કુલ સાત સિવિક સેન્ટર પર રોજેરોજના ચેક અને રોકડ લેવા આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રતિનિધિ આવશે. આ સિવિક સેન્ટરોની જે તે દિવસની આવકની વિગતોને ઝોનના સિવિક સેન્ટર ઇન્ચાર્જ નિયત નમૂનામાં ભરીને ઝોનલ કેશિયરને આપશે. ઝોનલ કેશિયર આ વિગતોને ચકાસીને બેન્કના પ્રતિનિધિને સોંપશે. બેન્કનો પ્રતિનિધિ કેશ તથા રોકડ તપાસીને સર્ટિફિકેટમાં સહી કરીને તે મુજબનાં નાણાં જમા લેશે, જોકે આ નવા આદેશથી ભારે વિવાદ સર્જાયો છે.

બેન્કના પ્રતિનિધિના સ્વાંગમાં કોઇ ઠગ આવીને ઝોનલ કેશિયરને છેતરી પણ શકે છે. આની સાથેસાથે બીજી દલીલ એ પણ થઇ રહી છે કે એ કેટેગરીનાં સિવિક સેન્ટરોથી જ તંત્રને પ૦ ટકા આવક થાય છે તો નાણાં વિભાગની જે તે ઝોનના ચલણ સ્વીકારતી વખતની પ૦ ટકા કામગીરી સ્વાભાવિકપણે ઓછી થઇ ગઇ એટલે નાણાં વિભાગને મધ્યસ્થ રાખવાના બદલે ઝોન મુજબ વહેંચી દેવો જોઇએ.

You might also like