મ્યુનિસિપલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો ભૂલીને રાજકીય નૌટંકી

અમદાવાદ: શહેરીજનોની પ્રાથમિક સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની મહિનામાં એક વખત મળતી સામાન્ય સભામાં લાંબા સમયથી લોકો ‘રાજકીય નૌટંકી’ને જોઇ રહ્યા છે. આનું પડદા પાછળનું મુખ્ય કારણ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનું વ્યક્તિગત સેટિંગ છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે કોર્પોરેટરો પોતપોતાના ગોલ ‘સેટ’ કરતા હોઇ સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકાઈ જાય છે.

ગઇ કાલે સામાન્ય સભા પત્યા બાદ કોંગ્રેસના સભ્યોએ મેયર ઓફિસમાં અડ્ડો જમાવ્યો. ભાજપના સિનિયરો વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલતી હોઇ કોંગ્રેસે ‘મેયર કા દુશ્મન, હમારા દુશ્મન’ જેવા હાસ્યાસ્પદ સૂત્રોચ્ચાર કર્યા. મેયર, ડેપ્યુટી મેયરનો બહાર નીકળવાનો રસ્તો રોકવા દરવાજા પાસે ભોંયપલાંઠીવાળીને બેસી ગયા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘ફેંકુ’ અને ‘પપ્પુ’ જેવા સામસામે બૂમબરાડા પણ થયા. લોકોની પીડા ભૂલી જઇ નરોડા-નારોલના ગેરકાયદે બાંધકામો ભાજપના અને જુહાપુરાના કોંગ્રેસના તેવી અરસપરસ ઉગ્ર આક્ષેપબાજી પણ થઇ હતી.

બીજી તરફ મ્યુનિ. કોંગ્રેસમાં જુનિયરોનો દબદબો વધતાં સિનિયરો નારાજ જોવા મળ્યા. સામાન્ય સભામાં કેટલાક પસંદગીના જુનિયર કોર્પોરેટરો ધમાચકડી મચાવતા હોઇ મહિલા કોર્પોરેટરો પણ ગિન્નાયેલા છે. કોંગ્રેસમાં ‘સ્માર્ટલી’ સિનિયરોના પત્તાં કપાતાં હોઇ એક સિનિયર કોર્પોરેટર તો મેયર ઓફિસની ધમાચકડીને શાંત પાડવાના પ્રયાસ કરતા હતા એટલે જ આજે સાંજે ચારથી છના કોંગ્રેસનાં ધરણાંના કાર્યક્રમ દરમ્યાન હાસ્યાસ્પદ સૂત્રોચ્ચારથી દૂર રહેવાની વિનંતી એક સિનિયર કોર્પોરેટરને ગઇ કાલે મોડી સાંજે મ્યુનિસિપલ કોંગ્રેસ કાર્યાલયમાં મળેલી બેઠકમાં કરવાની ફરજ પડી હતી.
http://sambhaavnews.com/

You might also like