મ્યુનિ. 74.98 કરોડના ખર્ચે વધુ બે વિન્ડ પાવર પ્લાન્ટ ઊભા કરશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે તંત્રની મિલકતો તેમજ સ્ટ્રીટલાઈટ વગેરેના વીજળીબિલમાં વપરાતા કરોડો રૂપિયામાં બચત કરવાના આશયથી વિન્ડ પાવર પ્લાન્ટથી વીજળી ઉત્પાદિત કરવાની બાબતને વધુ ને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે.

કચ્છના નખત્રાણામાં બે વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપના કર્યા બાદ તંત્રે હવે વધુ બે વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપનાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તને મંજૂરી આપી છે.

કચ્છના નખત્રાણામાં ગત તા.૨૧ જૂન, ૨૦૧૬એ તંત્ર દ્વારા પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપના કરાઈ હતી, જેના નિર્માણ પાછળ રૂ. ૩૦ કરોડ ખર્ચાયા બાદ સત્તાધીશો દ્વારા દશ વર્ષનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ વિન્ડ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલી વીજળીને રાજ્ય સરકારની વિદ્યુતનીતિ મુજબ ગ્રીડમાં વહન કરીને તેની અવેજમાં મ્યુનિસિપલ તંત્રને આશરે રૂ. ૧૩ કરોડની આવક થઈ છે.

નખત્રાણાના આ પહેલા વિન્ડ પાવર પ્લાન્ટથી આજ‌િદન સુધીમાં ૨.૨૦ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ ચૂક્યું હોઈ ચાર વર્ષ બાદ આ પ્લાન્ટથી મ્યુનિસિપલ તિજોરીને ચોખ્ખી આવક મળતી થઈ જશે તેવો તંત્રનો દાવો છે.

તંત્ર દ્વારા કચ્છના નખત્રાણામાં હજુ ગત ડિસેમ્બર-૨૦૧૭માં બીજો વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કરાયો છે. ગત તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી બીજા વિન્ડ પાવર પ્લાન્ટથી તંત્રે ૪૦ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે. આ બંને વિન્ડ પાવર પ્લાન્ટની ક્ષમતા ૪.૨ મેગાવોટની હોઈ વધુ આટલી જ ક્ષમતાના બે વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપના માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

મ્યુનિસિપલ લાઈટ વિભાગની દરખાસ્ત મુજબ અગાઉના બંને વિન્ડ પાવર પ્લાન્ટના કન્સલ્ટન્ટ પીઈસીને નવા વિન્ડ પાવર પ્લાન્ટ કુલ રૂ. ૧૪ લાખના ખર્ચે સોંપવાની ભલામણ રોડ-બિલ્ડિંગ કમિટીને કરાઈ હતી. નવા બે વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપના માટે કુલ રૂ. ૭૪.૯૮ કરોડનો અંદાજ પણ લાઈટ વિભાગ દ્વારા તૈયાર કરાયો છે.

You might also like