મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા માટે નાઇટ શેલ્ટર બનાવાયાં છે. સમગ્ર અમદાવાદમાં કુલ ર૭ નાઇટ શેલ્ટર છે, પરંતુ એક અથવા બીજા કારણસર આ નાઇટ શેલ્ટર હજુ સુધી ઘરવિહોણા લોકોમાં ખાસ લોકપ્રિય બન્યાં નથી.

શહેરમાં ઘરવિહોણા નાગરિકોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજી-રોટી રળવા અમદાવાદ આવતા આ ગરીબો ફૂટપાથ કે ગમે ત્યાં આશરો મળે ત્યાં રેનબસેરા કરે છે, જોકે તંત્ર દ્વારા શહેરમાં ર૪ કલાક ખુલ્લા રહેતાં નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરાઇ હોવા છતાં ઘરવિહોણામાં નાઇટ શેલ્ટર વધુ લોકપ્રિય બન્યાં નથી.
નાઇટ શેલ્ટરમાં નહાવા-ધોવા-સૂવાની તેમજ રસોઇ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાઇ હોવાનો તંત્રનો દાવો છે. શહેરનાં કુલ ર૭ નાઇટ શેલ્ટરમાં કુલ ૧૬૩પ લોકો આશરો લઇ શકે છે.

નાઇટ શેલ્ટરમાં કલાકો સુધી કે દિવસો સુધી રોકાવાની છૂટ છે. તેમ છતાં ઘરવિહોણા લોકો ખાસ આવતા નથી. કેટલાંક નાઇટ શેલ્ટર ખરાબ હાલતમાં છે. અમુક નાઇટ શેલ્ટરના દરવાજા પણ અસામા‌િજક તત્ત્વો ઉખાડીને લઇ ગયાના બનાવ બન્યા છે. કેટલીક લેભાગુ સંસ્થાઓ પણ આશ્રય લેનારાના ખોટા આંકડા દર્શાવીને મ્યુનિસિપલ તિજોરીને લૂંટે છે. આ ઉપરાંત નાઇટ શેલ્ટરને સીસીટીવીથી સજ્જ કરવાની જાહેરાતને પણ અમલમાં મૂકી શકાઇ નથી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા નાઇટ શેલ્ટરમાં યોગ્ય સુવિધા મળે તે માટે અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ (યુસીડી)ને અવારનવાર તાકીદ કરાય છે. કમિશનર નેહરા નાઇટ શેલ્ટરનો ઘરવિહોણા લોકો મહત્તમ લાભ લે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ પણ યુસીડી વિભાગને આપે છે, પરંતુ ઉચ્ચ સ્તરેથી આદેશ મળ્યા બાદ સમયાંતરે હાથ ધરાતી ઝુંબેશ દરમિયાન જ નાઇટ શેલ્ટર ઘરવિહોણા લોકોથી ઊભરાય છે.

અન્ય દિવસોમાં ખાલીખમ રહે છે. સ્થાનિક કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારના ઘરવિહોણાઓને નજીકના નાઇટ શેલ્ટરમાં આશરો આપવાની તસ્દી લેતા નથી. કેટલાક કોર્પોરેટરને આ પ્રકારની જન સેવા કરવાના બદલે માત્ર જે તે કામની કમિશનખોરીમાં જ રસ છે. જો આવી ભીષણ ગરમીમાં આશરો લેવા આવનારા ઘરવિહોણાને પાણી તેમજ ઓઆરએસનાં પેકેટ આપવાની તૈયારી તંત્રે દાખવી છે.

You might also like