મ્યુનિસિપલ તંત્ર હાંફી ગયું-હારી ગયું હવે ખાનગી એજન્સી પકડશે ઢોર

અમદાવાદ: મેગા સિટી અમદાવાદને બારે મહિના ગોકુળિયું ગામ બનાવતાં રખડતાં ઢોરનો ત્રાસ નાગરિકો માટે અસહ્ય બનતો જાય છે. છાશવારે રખડતાં ઢોરની અડફેટમાં આવીને લોકો મૃત્યુના મોંમાં પણ ધકેલાય છે, તેમાં પણ હાલના ચોમાસાના દિવસોમાં તો રખડતાં ઢોરની સમસ્યા માઝા મૂકે છે.

અમુક પશુપાલકો તો ઢોરને લાઈટના થાંભલા સાથે બાંધી રાખે છે. વાહનચાલકો તૂટેલા-ફૂટેલા રસ્તાથી પોતાનો બચાવ કરે કે પછી રોડની વચ્ચોવચ બેઠેલાં રખડતાં ઢોરથી જાતને સુરક્ષિત રાખે તે સમજી-વિચારી શકતા નથી. આવા સંજોગોમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રખડતાં કૂતરાંની જેમ ઢોર પકડવાની કામગીરીનું પણ ખાનગીકરણ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

આમ તો છેક તા. ૨૮ જૂન, ૨૦૦૬થી રખડતાં ઢોરનો મામલો હાઈકોર્ટમાં ગાજી રહ્યો છે, પરંતુ છેલ્લે છેલ્લે બિસમાર રસ્તા અને રખડતાં ઢોરના મામલે થયેલી જાહેર હિતની અરજીની ગત ઓગસ્ટ-૨૦૧૭માં પ્રથમ સુનાવણી દરમિયાન જ હાઈકોર્ટ દ્વારા તંત્ર સામે લાલ આંખ કરાઈ હતી.

તે સમયની હાઈકોર્ટની ફટકારથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ દોડતા થયા હતા. હાઈકોર્ટના નિર્દેશથી શહેરભરમાંથી રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવવા માટે સત્તાધીશો દ્વારા ‘ઓપરેશન રાઉન્ડ ક્લોક’ની જાહેરાત કરાઈ હતી. ઓપરેશન રાઉન્ડ કલાેક હેઠળ મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગને હયાત સ્ટાફ ઉપરાંત વધારાના વીસ કર્મચારી ફાળવાયા હતા.

અગાઉ રખડતાં ઢોરને ઝબ્બે કરવા શહેરમાં બે ટીમ કાર્યરત હતી, પરંતુ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ ત્રણ ટીમ કાર્યરત કરાઈ છે. ગોતા, વાડજ, અમરાઈવાડી જેવા વિસ્તારમાં કેટલાંક માથાભારે તત્ત્વો ઢોર ત્રાસ અંકુશ વિભાગના સ્ટાફ પર જીવલેણ હુમલો કરતા હોઈ તંત્ર દ્વારા ખાસ પોલીસનો બંદોબસ્ત પૂરો પડાઇ રહ્યો છે.

મ્યુનિસિપલ સત્તાધીશોના ‘ઓપરેશન રાઉન્ડ ક્લોક’ને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થશે. તેમ છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત્ રહેવા પામી છે. છેલ્લે છેલ્લે ગત તા. ૨૭ જૂને હાઈકોર્ટે આ મામલે પોતાની સખત નારાજગી વ્યક્ત કરીને અમદાવાદ માટે મહારાષ્ટ્ર જેવો કડક કાયદો બનાવવાની, રસ્તે રખડતાં ઢોર પર માલિકનો સિમ્બોલ લગાવવાની, જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ બંધ કરવાની ઉપરાંત બે અધિકારીઓની નિમણૂક કરવા જેવા કડક આદેશ આપતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રખડતાં ઢોર પકડવાની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવાની દિશામાં ગંભીરતાથી ચક્રો ગતિમાન કર્યાં છે.

રખડતાં કૂતરાં પકડીને તેનું ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરીનું જે રીતે ખાનગીકરણ કરાયું છે તે જ રીતે રખડતાં ઢોર પકડવાના મામલે ખાનગીકરણ કરવાની ઉચ્ચ સ્તરેથી ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી એનિમલ હેલ્પ ફાઉન્ડેશન સહિતની ત્રણ ખાનગી સંસ્થાને પ્રતિ રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ માટે રૂ. ૬૩૬ ચૂકવાય છે. આવી જ પદ્ધતિ રખડતાં ઢોરને પકડી બહેરામપુરાના ઢોરવાડામાં મોકલવા માટે અપનાવાય તેવી ચર્ચા છે.

આધારભૂત સૂત્રો કહે છે, આ દિશામાં ઉચ્ચ સ્તરે બેઠકોનો દોર ચાલી રહ્યો હોઈ આગામી િદવસોમાં ટેન્ડર બહાર પડાય તેવી સંભાવના છે, જોકે ટેન્ડરની શરતો કેવી રહેશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

You might also like