મ્યુનિ. ઢોરવાડાના જર્જરિત શેડને બદલવાની દિશામાં ચક્રો થયા ગતિમાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટના આદેશના પગલે શહેરભરમાંથી રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. તંત્રની ત્રણ ટીમ દ્વારા દરરોજનાં ૬૦થી ૭૦ ઢોર પકડીને બહેરામપુરા સ્થિત એકમાત્ર ઢોરવાડામાં પુરાય છે, પરંતુ રખડતાં ઢોર માટે સારી ગમાણ જેવી પ્રાથમિક સુવિધાના અભાવથી ઢોરવાડો એક પ્રકારે કસાઇવાડો બન્યો હતો, જે અંગે વારંવાર ફરિયાદ ઊઠતાં હવે સત્તાવાળાઓએ જર્જરિત ગમાણના શેડને અંદાજે રૂ.૩૦ લાખના ખર્ચે બદલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

મ્યુનિસિપલ તંત્રના બહેરામપુરા સ્થિત ઢોરવાડાનાં ગમાણ બદથી બદતર હાલતમાં છે. ચોમાસામાં ઢોરના માથે સામાન્ય છાપરું હોય તેટલી તસ્દી પણ નઘરોળ તંત્ર દ્વારા લેવાઇ ન હતી.

છેક ઓગસ્ટથી હાઇકોર્ટના આદેશના પગલે તંત્રના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગે રખડતાં ઢોરને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. એક તરફ સત્તાવાળાઓ રખડતાં ઢોરને જબ્બે કરીને ઢોરવાડામાં પૂરવામાં શૂરાતન દાખવતા રહ્યા છે. બીજી તરફ ઢોરવાડામાં અસહ્ય યાતના ભોગવતાં ગાય સહિતનાં ઢોર તરફ ઘોર ઉપેક્ષા કરાતી હતી.

ઢોરવાડાના ગાયના ગમાણ યુનિટ-૧ અને યુનિટ -ર તરીકે ઓળખાતા ગમાણના શેડ તૂટ્યાફૂટ્યા હતા, જેના કારણે આ બન્ને યુનિટના શેડને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ શીટથી બનાવવાની કવાયત આરંભી છે. તાજેતરમાં મળેલી રોડ-બિલ્ડીંગ કમિટીમાં દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ઢોરવાડામાં ગાયના ગમાણના બન્ને યુનિટને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ શીટના શેડથી ઢાંકવા માટે રૂ.ર૯.પપ લાખનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું હતું, જેને રોડ-બિલ્ડીંગ કમિટીએ મંજૂર કરતાં આગામી છ મહિનામાં ગાયનાં ગમાણ નવા શેડથી ઢંકાઇ જશે અને વરસાદની સિઝનમાં ગમાણમાં વરસતા સાંબેલાધાર વરસાદથી માંદી પડીને મરણને શરણ થતી ગાયનું પ્રમાણ ઘટશે તેમ સૂત્રો જણાવે છે.

You might also like