મ્યુનિ. હેલ્પલાઇનના ડિંડકથી મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ

અમદાવાદ: ઘર, સોસાયટી કે વોર્ડની ફરિયાદો માટે ત્રણ વર્ષ પહેલાં સીસીઆરએસ (કોમ્પ્રિહેન્સિવ કમ્પ્લેન રિડ્રેસલ સિસ્ટમ) શરૂ કરાઇ છે, જે અંતર્ગત નાગરિકોને ટોલ ફ્રી નંબર ૧પપ૩૦૩ની સુવિધા અપાઇ છે, જોકે આ મ્યુનિ. હેલ્પલાઇનના ડિંડકથી શહેરીજનો પરેશાન છે અને લોકોની મુસીબતથી કમિશનર મૂકેશકુમાર પણ વાકેફ થતાં તેઓ તંત્ર પર લાલઘૂમ થયા છે.

કોર્પોરેશન દ્વારા નાગરિકોની નળ, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિતની શહેરની પ્રાથમિક સુખાકારીને લગતી ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે સીસીઆરએસ સિસ્ટમ અપનાવાઇ છે, જોકે સીસીઆરએસના ૧પપ૩૦૩ નંબર પર ફરિયાદ નોંધાવતા નાગરિકોને તંત્રનો કડવો અનુભવ થાય છે. ૧પપ૩૦૩માં ફરિયાદ નોંધાવ્યા બાદ કેટલાક અધિકારીઓ રીતસરની દાંડાઇ કરે છે. જે તે ફરિયાદની યોગ્ય તપાસ કર્યા વગર ફરિયાદ બંધ કરી દે છે. આ ઉપરાંત અનેક વખત નાગરિકોનો મોબાઇલ નંબર ફરિયાદ વખતે લખાવેલો હોવા છતાં કેટલાક અધિકારી સરનામું મળતું ન હોવાનું બહાનું કાઢીને ફરિયાદીની સમસ્યામાં વધારો કરે છે.

દૈનિક ૧ર૦૦ ફરિયાદ સીસીઆરએસ હેઠળ તંત્રના ચોપડે નોંધાતી હોઇ નાગરિકોને અવારનવાર થતા કડવા અનુભવની બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં પણ શાસક પક્ષે રજૂ કરી છે. હવે કમિશનર મૂકેશકુમારે પણ સીસીઆરએસના ડિંડકની ગંભીરતાથી નોંધ લીધી છે. તાજેતરમાં મળેલી ઉચ્ચ અધિકારીઓની અઠવાડિક બેઠકમાં મૂકેશકુમારે સંબંધિત અધિકારીઓને સીસીઆરએસ અંતર્ગતની છેલ્લાં ત્રણ વર્ષની વિગત આઠ દિવસમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ પોતાના વિભાગ અને વિસ્તાર મુજબ કઇ કઇ ફરિયાદો વધુ પ્રમાણમાં આવી અને કેટલી ફરિયાદોનો વિધિવત્ નિકાલ કરાયો તેની તલસ્પર્શી વિગત પણ કમિશનર સમક્ષ મૂકવી પડશે. મૂકેશકુમારની લાલ આંખના પગલે હેલ્પલાઇનના ડિંડકથી નાગરિકોને રાહત મળશેે તેમ લાગે છે.

You might also like