મ્યુનિ. બજેટમાં મહિનાનો વિલંબ, હવે ફેબ્રુઅારીમાં રજૂ કરાશે

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનના બજેટને આ વખતે વહેલાં રજૂ કરવાની શાસક પક્ષની જાહેરાત વિલંબમાં મુકાઇ છે. કમિશનર મૂકેશકુમારના ડ્રાફ્ટ બજેટ બાદ તેમાં સુધારા-વધારા સૂચવતા સ્ટેન્ડિંગ કમિટીના સુધારિત બજેટની કોર્પોરેશનમાં સૌ ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનની અન્ય સંલગ્ન સંસ્થાઓનાં ડ્રાફ્ટ બજેટનાં જ હજુ ઠેકાણાં પડ્યાં નથી, જેના કારણે શાસકોનું (ચૂંટાયેલી પાંખ)નું બજેટ હવે મોડું એટલે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ થશે.

કમિશનર મૂકેશકુમાર દ્વારા તા.૭ જાન્યુઆરી, ર૦૧૭એ રૂ.૬૧૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું હતું. એક પણ રૂપિયાના કરવેરા વધારા વગરનું કમિશનરનું આ ડ્રાફટ બજેટ ગરીબલક્ષી હોવાનો દાવો સૂત્રોએ કર્યો છે, જોકે કમિશનરના ડ્રાફ્ટ બજેટના લગભગ એક મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટીનું સુધારિત બજેટ રજૂ થશે.

હજુ સ્કૂલબોર્ડ અને એએમટીએસનાં ડ્રાફ્ટ બજેટ રજુ કરાયાં છે. કોર્પોરેશનની અન્ય બે સંલગ્ન સંસ્થા વી.એસ. હોસ્પિટલ અને એમ.જે. લાઇબ્રેરીનાં ડ્રાફટ બજેટનાં કોઇ ઠેકાણાં પડ્યાં નથી. આ ચારેય સંલગ્ન સંસ્થાઓના તંત્રના ડ્રાફટ બજેટ બાદ જે તે સંસ્થાની ચૂંટાયેલી પાંખ દ્વારા સુધારિત બજેટ રજૂ કરાશે. આમ, સઘળી પ્રક્રિયા વિલંબમાં મુકાઇ છે.
સ્કૂલબોર્ડની ૪પ૬ શાળાઓમાં ભણતાં ૧.૩ર લાખ બાળકોના અભ્યાસને ચકાસવા આજથી રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે, જે ત્રણ દિવસ ચાલવાનો હોઇ સ્કૂલબોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણનું સુધારિત બજેટ તા.૧૯ જાન્યુઆરીએ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં મંજૂરી માટે મુકાશે.

કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીના સુુધારિત બજેટમાં સંલગ્ન સંસ્થાઓની ગ્રાન્ટમાં વધારો કરાતો હોય છે, જોકે આ વૃદ્ધિ જે તે સંસ્થાનાં સુધારિત બજેટનો અભ્યાસ કર્યા બાદ કરાતો હોઇ શહેરના શાસકો મૂંઝવણમાં મુકાયા છે. અત્યારે તો ભાજપના શાસકો કોર્પોરેટરો પાસેથી બજેટનાં સૂચનો મંગાવી રહ્યા છે. ત્યારબાદ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આશરે રૂ.૬પ૦૦ કરોડનું બજેટ રજૂ કરાશે.

home

You might also like