મેગાસિટી માટે શરમજનકઃ મ્યુનિ. શાળાનાં વિદ્યાર્થીઓમાં 20 ટકા જેટલો ‘ડ્રોપ આઉટ રેશિયો’

અમદાવાદ: મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડની શાળા માટે સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે તોતિંગ બજેટ રજૂ કરાય છે. ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ રૂ.૬૭૧ કરોડનું છે તેમ છતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ વપરાતી નહીંવત બજેટ રકમ, વિદ્યાર્થીઓને ભણાવવામાં મહંદશે વેઠ ઉતારતા શિક્ષકો સામે નરમાશથી કામ લેવું સહિતનાં કારણે ધોરણ પનાં વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતાં લખતાં નથી આવડતું.

આ અત્યંત શરમજનક બાબત હોવા ઉપરાંત મ્યુનિસિપલ શાળામાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ જેમ તેમ પૂર્ણ કર્યા બાદ લગભગ ર૦ ટકા વિદ્યાર્થી ધોરણ ૯નો આગળનો અભ્યાસ કરવા અન્ય સરકારી કે ખાનગી શાળામાં જોડાતા નથી તેવી આઘાત અપાવે તે બાબત પણ પ્રકાશમાં આવી છે.

સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ દ્વારા પ્રતિ વર્ષની જેમ આગામી તા.રર અને ર૩ જૂન એમ બે દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં રાબેતા મુજબ શાળા પ્રવેશોત્સવ હેઠળ સેંકડો ભૂલકાંઓએ ધોરણ એકમાં પ્રવેશ લીધો તેવાં ઢોલ નગારાં વગાડાશે. શહેરના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો પણ પરંપરા મુજબ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. જો કે આ વખતે પ્રથમ વાર શાળા પ્રવેશોત્સવ આંગણવાડી કે મ્યુનિસિપલ શાળાને બદલે સરકારી અને ખાનગી માધ્યમિક શાળામાં યોજાશે.

આંગણવાડીનાં વિદ્યાર્થીઓ, ધોરણ એકનાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ તથા ધોરણ નવનાં વિદ્યાર્થીઓનો સંયુક્ત પ્રવેશોત્સવ સરકારી તથા ગ્રાન્ટ મેળવતી માધ્યમિક શાળાના પ્રથવાર પ્રવેશોત્સવ યોજનાર હોઇ સ્કૂલ બોર્ડના શાસકો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.

આ માટે સરકારી અને ગ્રાન્ટ મેળવતી ખાનગી શાળા મળીને કુલ ર૦૦થી વધુ શાળાની યાદી તૈયાર કરાઇ છે. જાણકાર સૂત્રો કહે છે પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન માધ્યમિક શાળામાં લઇ જવાનું મુખ્ય કારણ ધોરણ ૮નાં વિદ્યાર્થીઓમાં ર૦ ટકા જેટલો ઊંચો ડ્રાેપઆઉટ રેશિયો છે.

મ્યુનિસિપલ શાળામાં ધોરણ ૧થી ધોરણ ૮ સુધી જ અભ્યાસની સુવિધા હોઇ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી માંડ ૮૦ ટકા વિદ્યાર્થીઓ આગળ ધોરણ ૯માં પ્રવેશ મેળવે છે. ગત તા.૩૧ ઓગસ્ટ ર૦૧૭ની સ્થિતિના મ્યુનિસિપલ શાળાના ધોરણ ૮માં ગુજરાતી માધ્યમના ૧૧૮૧પ, હિંદી માધ્યમના ર,૭૮ર ઉર્દૂ માધ્યમના ર,૦૭ર અને અન્ય માધ્યમના મળીને કુલ ૧૬,૯૭૬ વિદ્યાર્થીઓ ભણતાં હતાં.

જે પૈકી ૩,૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર અધૂરું છોડ્યું હતું. આ બહુ ગંભીર બાબત હોઇ છેક ગાંધીનગર સ્તરેથી આ વખતે પ્રવેશોત્સવ માધ્યમિક શાળામાં યોજીને સરકારી શાળાનાં વિદ્યાર્થી ધોરણ આઠ બાદ પણ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે દિશામાં આયોજન ઘડી કાઢાયું છે.

You might also like