મ્યુનિ. ઢોરવાડો કે કસાઈવાડો?

અમદાવાદ: અમદાવાદમાં સિમેન્ટ-કોંક્રીટનું જંગલ ખડકાતાં અનેક ગામતળના વિસ્તારો નામશેષ થયા છે, જેના કારણે ગૌચરની જમીન શોધ્યે જડતી નથી. પરિણામે એક તરફ ગૌવંશને રસ્તા પર રઝળીને પ્લાસ્ટિકની ઝભલા થેલી સહિતના કૂડાકચરાને ફેંદીને જઠરાગ્નિને ઠારવો પડે છે તો બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ આવા ગૌવંશને રખડતા ઢોરમાં ગણીને રોડ પરથી પકડીને તંત્રના ઢોરવાડામાં પૂરી દે છે, જોકે સત્તાવાળાઓની ગુનાઇત બેદરકારીથી રખડતા ઢોર માટેના ઢોરવાડા હવે એક પ્રકારે કસાઇવાડા બન્યા છે.

રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ દ્વારા તંત્રને પુછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ખુદ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગે ચોંકાવનારી માહિતી આપી છે. ગત તા.૧પ ફેબ્રુઆરી, ર૦૧૬ની સ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં કોર્પોરેશનના ઢોરવાડામાં કુલ ર૪પ૪ ઢોર મરણને શરણ થયાં છે એટલે કે આ ઢોરવાડામાં દર ત્રણ દિવસે ચાર ઢોર મોતને ભેટ્યા છે.

કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૪-૧પમાં રૂ.૬૭.૩૯ લાખનો ખોરાકી ખર્ચ અને નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૪પ.રપ લાખનો ખોરાકી ખર્ચ ઢોરવાડામાં રખાયેલા ઢોર પાછળ કરાયો હતો. ઢોરવાડાને અનેક જીવદયા પ્રેમીઓની મદદથી ઘાસચારા સહિતનું અપાર દાન મળે છે. તેમ છતાં ઢોરવાડામાં મોટી સંખ્યામાં ઢોર મૃત્યુ પામતાં હોઇ આ બાબત ભારે ચર્ચાસ્પદ બની છે. ખુદ તંત્રના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયંત કાચા ઢોરવાડામાં ખાધાખોરાકીનો પ્રશ્ન ન હોવાની કબૂલાત કરે છે. તેમ છતાં દર ત્રણ દિવસે ચાર ઢોરનાં મોતના કારણ માટે ડો.કાચા સંતોષકારક જવાબ આપી શકતા નથી. આના બદલે ડો.કાચા આધ્યાત્મિક ઉત્તર આપતાં કહે છે કે, “મૃત્યુ એ જીવનની સ્વાભાવિક પ્રક્રિયા છે, આયુષ્ય પૂરું થાય એટલે કોઇ પણ જીવનું મૃત્યુ અનિવાર્ય છે! એટલે ઢોરવાડામાં ઢોરના મૃત્યુ માટેનું પણ કોઇ ખાસ કારણ નથી.”

જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે તાજેતરમાં જ તંત્ર દ્વારા રૂ.૬૧૦૧ કરોડનું જંબો ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા કોર્પોરેશનમાં ઢોરની પ્રાથમિક સારવાર માટે ઢોરવાડામાં એક પણ વેટરનિટી ડોક્ટરને તહેનાત કરાયા નથી. અગાઉ ઢોરની માવજત માટે વેટરનરી ડોક્ટરની સેવા નિયમિત રીતે ઉપલબ્ધ હતી, જે હવે માંદા ઢોરને અપાતી નથી.

પહેલાં માંદા ઢોરને હાથીજણના આશા ફાઉન્ડેશનમાં સારવાર માટે ધકેલી દેવાતાં હતાં, પરંતુ બર્ડ ફલૂનું એપી સેન્ટર બનેલા આશા ફાઉન્ડેશનને તંત્રના એક મહિના માટે સીલ લાગતાં હવે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ માંદા ઢોરને બાકરોલની પાંજરાપોળમાં મોકલાવે છે, જોકે ઢોરવાડામાં જ અશકત અને માંદા થયેલા ઢોરને સત્તાવાળાઓ વેટરનરી ડોક્ટરના અભાવે સમયસર શોધી શકતા ન હોઇ ઢોરવાડામાં ઢોર અકલ્પનીય હદે મૃત્યુ પામી રહ્યાં છે, જેમાં મોટા ભાગના ગૌવંશના હોવા છતાં કોઇના પેટનું પાણી હાલતું નથી એ બાબતથી પણ ચકચાર મચી છે.

home

You might also like