મુનરો-ગુપટિલના રેકોર્ડ પ્રદર્શનથી શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની મોટી જીત

ઓકલેન્ડ : માર્ટિન ગુપટિલ અને કોલિન મુનરોના શાનદાર પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડે બીજી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રવિવારે શ્રીલંકાને દસ ઓવર બાકી રહેતાં નવ વિકેટે સજ્જડ હાર આપી સિરીઝમાં વ્હાઇટવોશ કર્યો છે. શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ મળતા ૮ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા. તેના માત્ર બે બેટસમેન એન્જેલો મેત્યૂસ અણનમ ૮૧ અને તિલકરત્ને દિલશાન ૨૮ રન સાથે બે અંકમાં પહોંચી શક્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ટ ઇલિયટે ૨૨ રન આપી ચાર, જ્યારે મિશેલ સેન્ટર અને એડમ મિલ્નેએ બે-બે વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડે શ્રીલંકાના સ્કોરને સામાન્ય સાબિત કરતાં ઓપનિંગ બેટસમેન ગુપટિલે ૨૫ બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૬૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે માત્ર ૧૯ બોલમાં અર્ધશતક બનાવી વ્યૂઝીલેન્ડ તરફથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે તેનો આ નવો રેકોર્ડ માત્ર ૨૦ મિનિટ સુધી ટક્યો અને કોલિન મુનરોએ માત્ર ૧૪ બોલમાં અર્ધશતક બનાવી તેને તોડ્યોહતો. મુનરોએ વિજયી છગ્ગો ફટકારી પોતાનું અર્ધશતક પૂરું કર્યું હતું. તેણે ૧૪ બોલની ઇનિંગમાં એક ચોગ્ગો અને સાત છગ્ગા લગાવ્યા હતા.

મુનરોએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજો સૌથી ઝડપી અર્ધશતક બનાવ્યો છે. જોકે આ રેકોર્ડ ભારતના યુવરાજસિંહના નામ પર છે. તેણે ૨૦૦૭માં ઇંગ્લેન્ડ સામે માત્ર ૧૨ બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું. ન્યૂઝીલેન્ડે આ રીતે માત્ર દસ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૧૪૩ રન બનાવી મોટી જીત મેળવી હતી. કપ્તાન કેન વિલિયમસન ૩૨ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે સિરિઝમાં ૨-૦થી જીત મેળવી છે. આ પહેલા તેણે ટેસ્ટ મેચોમાં ૨-૦ અને વન-ડેમાં પણ ૩-૧થી જીત મેળવી હતી.

શ્રીલંકાને ટી-૨૦ સિરિઝમાં હારના કારણે વિશ્વ રેંકિંગમાં ટોચનું સ્થાન ગુમાવવુ પડ્યું છે. તે વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા પછી હવે ત્રીજા સ્થાને સરકયું છે. શ્રીલંકાને ત્રણ રેંકિંગ અંકનું નુકસાન થયું છે. આ ત્રણે ટીમ ૧૧૮ના સમાન અંક પર છે. પોઇન્ટની ગણતરી મુજબ વેસ્ટ ઇન્ડિઝ પહેલા અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને પહોંચી ગયા છે. ન્યૂઝીલેન્ડે તેનું સાતમું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ આ જીતથી તે ૧૧૪ પર પહોંચ્યું છે અને આઠમા સ્થાનના ભારતથી ચાર અંક આગળ થઇ ગયું છે.

You might also like