બધા ચોંક્યા, જ્યારે મુનાફ પટેલ ૧૪૨૬ દિવસ બાદ IPLમાં રમ્યો

મુંબઈઃ મુનાફ પટેલ માટે આઇપીએલની દસમી સિઝન સાથે જ સમયનું ચક્ર આખેઆખું ૩૬૦ ડિગ્રી ફરી ગયું છે. તે લાંબા સમયથી આઇપીએલની ચમકથી દૂર રહ્યો હતો અને ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો હતો. નવેમ્બર-૨૦૧૬માં વડોદરા તરફથી તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંતિમ મેચ રમી હતી. ગત ૧૬ એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત લાયન્સની ટીમમાં જ્યારે મુનાફ પટેલના સમાવેશની જાહેરાત થઈ ત્યારે ઘણા લોકો ચોંકી ગયા હતા. ગુજરાતના કેપ્ટન સુરેશ રૈનાએ ટોસ દરમિયાન કહ્યું કે મુનાફ આ મેચમાં રમવાનો છે. મુનાફને ચાર વર્ષ એટલે કે ૧૪૨૬ દિવસ બાદ આઇપીએલમાં રમવાની તક મળી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ સામે મેદાનમાં ઊતરતાં પહેલાં મુનાફ પટેલ ૨૧ મે, ૨૦૧૩ના રોજ આઇપીએલની મેચ રમ્યો હતો. એ વર્ષે તે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઊતર્યો હતો. એ મેચમાં તેનું પ્રદર્શન અપેક્ષા અનુસાર નહોતું રહ્યું. મુનાફની ત્રણ ઓવરમાં ચેન્નઈના બેટ્સમેનોએ ૩૨ રન ઝૂડી કાઢ્યા હતા. મુનાફ એ મેચમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. આશ્ચર્યનની વાત તો એ છે કે હવે જ્યારે મુનાફની વાપસી થઈ ત્યારે તે સુરેશ રૈનાની કેપ્ટનશિપવાળી ટીમનો સભ્ય છે. ૨૦૧૩માં રૈનાની બેટિંગને કારણે જ મુનાફ ટીમની બહાર થઈ ગયો હતો. આ વખતે આઇપીએલની હરાજીમાં ગુજરાત લાયન્સે મુનાફને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

You might also like