હવે મુંબઈની આબોહવા પણ બગડીઃ હવામાન ખરાબ અને તાપમાનમાં પણ વધારો

મુંબઇ, બુધવાર
મુંબઇની આબોહવા સતત ઘણા દિવસોથી પ્રભાવિત છે. જેના કારણે મુંબઇના રહેવાસીઓને શરદી, તાવ જેવી એલર્જિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સિસ્ટમ ઓફ એર કવોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટ એન્ડ રિસર્ચ (સફર)ના જણાવ્યા અનુસાર મંગળવારે ર૦૦થી વધુ એર કવોલિટી ઇન્ડેકસ (એકયુઆઇ)ની સાથે સમગ્ર મુંબઇની હવાની ગુણવત્તા ખરાબ શ્રેેણીમાં રહી.
ઉલ્લેખનીય છે કે શનિવારથી સતત મુંબઇની હવા પ્રભાવિત છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પશ્ચિમ ભારતમાં આવેલા પરિવર્તનને કારણે ધૂળની અસર હવામાં દેખાઇ રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ર૦૦થી વધુ એકયુઆઇ હોય ત્યારે હૃદય કે ફેફસાંની બીમારીથી દર્દીઓની સાથે બાળકો અને મોટી ઉંમરના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આવા સંજોગોમાં બહાર નીકળતી વખતે મોં અને નાકને ઢાંકવાની સાથેે સાથે વધુ સતર્ક રહેવાની પણ જરૂર પડે છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મુંબઇની હવા જ્યાં ખરાબ શ્રેણીમાં છે ત્યાં ભાંડુપ, મડગાંવ, નવી મુંબઇ અને બીકેસી જેવા વિસ્તારોમાં ૩૦૦થી વધુ એકયુઆઇની સાથે અહીંની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં છે. સફર સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ખૂબ જ જલદી હવામાં પરિવર્તનની સાથે હવાની ગુણવત્તા સુધરે તેવી આશા છે.

હાલમાં મુંબઇવાસીઓને મોસમનો બેવડો માર સહન કરવો પડે છે. હવાની ગુણવત્તા ખરાબ હોવાની સાથે સાથે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે મુંબઇ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રી રેકોર્ડ કરાયું હતંુ. સામાન્ય કરતાં તે આઠ ડિગ્રી વધુ છે.

You might also like