મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ : બેનાં મોત

મુંબઈ : મુંબઈના પરાંવિસ્તાર કાંદિવલીમાં એક ઝૂંપડપટ્ટીમાં આજે લાગેલી ભીષણ આગમાં બે જણાના મોત થયાં હતા અને કેટલાક લોકો દાઝી ગયા હતા. આ આગમાં એક હજાર ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું. પરંતુ નજીકમાં રહેતા લોકોએ દાવો કર્યો હતો કે ઝૂંપડપટ્ટીમાં થયેલા એક પછી એક ધડાકાને લીધે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિલિન્ડર વિસ્ફોટને લીધે આ આગ લાગી હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના કાંદિવલી પૂર્વમાં અક્રોલી રોડ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ગેટ નં ૫ પાસે આવેલી દામુ નગર ઝૂંપડપટ્ટીમાં બપોરે લગભગ સવા બારથી પોણો વાગ્યા વચ્ચે લાગી હતી. કહેવાય છે કે ત્યાં એક ગોડાઉન છે અને તેમાં ઘણી વસ્તુઓ રાખી હતી.
ફાયર બ્રિગેડના એક અધિકારી પી એસ રહંગડાલેએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવવા માટે ૧૬ ફાયર ટેન્કર, ૧૨ પાણીના ટેન્કર અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

ડીસીપી ધનંજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે જે એક વ્યક્તિ સળગીને મૃત્યુ પામી હતી તેની ઓળખ થઈ શકી નથી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલિસે સમગ્ર વિસ્તારને ચારે બાજુએથી કોર્ડન કરી લીધો હતો અને સ્થાનિક લોકોના દાવાની તપાસ હાથ ધરી હતી.

You might also like