મુંબઈ: સૂટકેસમાંથી મોડલ માનસી દીક્ષિતની લાશ મળી, આરોપી મુસ્લિમ દોસ્તની ધરપકડ

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના મલાડ વિસ્તારમાં એક મોડલની ક્રૂર હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મલાડ (વેસ્ટ)માં માઈન્ડસ્પેસની નજીક ઝાડીમાંથી એક ટ્રાવેલ બેગમાં ભરેલી ર૩ વર્ષની મોડલની લાશ મળતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. આ લાશ જાણીતી મોડલ માનસી દીક્ષિતની હોવાનું ખુલ્યું છે.

સૂટકેસમાંથી લાશ મળ્યાના ચાર કલાકની અંદર જ બાંગુરનગર પોલીસે માનસી દીક્ષિતની હત્યાના આરોપમાં સેકન્ડ યર સ્ટુડન્ટ મુજમ્મિલ સઈદની ધરપકડ કરી લીધી છે. આરોપી મુસ્લિમ યુવક અંધેરી (વેસ્ટ)ના મિલ્લતનગર ખાતે રહે છે. મુજમ્મિલ સઈદ હેદરાબાદના જાણીતા પરિવારનો સભ્ય છે અને તે માનસી દીક્ષિતનો દોસ્ત હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મોડલિંગના વ્યવસાયમાં જાણીતી માનસી દીક્ષિતને આરોપી મુજમ્મિલે મલાડ ખાતેના પોતાના એક અન્ય ઘરમાં બોલાવી હતી.

બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો શરૂ થયો હતો અને વિવાદ વધી જતાં તેમનો ઝઘડો ઉગ્ર બન્યો હતો. મુજમ્મિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે ઝઘડો થયા બાદ ગુસ્સામાં માનસીના માથા પર સ્ટૂલ ફટકારી દીધું હતું, જેનાથી માનસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

માનસી મૂળ રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી હતી અને તે છેલ્લા છ મહિનાથી જ અંધેરી (વેસ્ટ)ના ફ્લેટમાં રહેતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મુજમ્મિલ સઈદ અને માનસીની દોસ્તી એક કોમન ફ્રેન્ડના માધ્યમથી થઈ હતી.

પોલીસને શંકા છે કે મુજમ્મિલે સ્ટૂલ માર્યા બાદ માનસી પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઠંડા કલેજે માનસીની લાશ રે‌િક્ઝન બેગમાં ભરીને ઝાડીમાં ફેંકી દીધી હતી.

સૂટકેસમાં કોઈ મહિલાની લાશ હોવાની બાતમી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને માથામાં ગંભીર ઈજાના નિશાન સાથેની માનસીની લાશ મળી હતી. માનસીની લાશને કુશન અને બેડશીટથી કવર કરી વીંટી દેવામાં આવી હતી.

સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપી મુજમ્મિલ સઈદની કાર દેખાઈ હતી. આરોપી સડકના કિનારે કાર ઊભી રાખીને લાશ ભરેલી સૂટકેસ ઝાડીમાં ફેંકતો હોય તેવા સ્પષ્ટ ફૂટેજ પોલીસે કબજે કર્યા છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી લીધી હતી અને તેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે બપોરે આરોપી મુજમ્મિલને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેની સામે આઈપીસીની કલમ-૩૦ર અને ર૦૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

You might also like