મચ્છરની ઉત્પત્તિ રોકવા ડીડીટીના બદલે લોટનો છંટકાવ કરાયો

મુંબઈ: ભીવંડીમાં મચ્છર તેમજ અન્ય જીવાતની ઉત્પત્તિ રોકવા માટે મનપાના કર્મચારીઓએ ડીડીટીના બદલે લોટનો છંટકાવ કર્યાની ઘટના બહાર આવી છે. આ અંગે આરોગ્ય વિભાગના વડાઅે તપાસ કરતાં ખરેખર આ ઘટનામાં સફાઈ કર્મચારીઓ દ્વારા ડીડીટી કે અન્ય પાઉડરના બદલે લોટનો છંટકાવ થયો હોવાની વાતને સમર્થન મળ્યું છે તેમ છતાં આ બાબતે કોઈ કર્મચારી સામે પગલાં લેવામાં આવ્યાં નથી.

ભીવંડી મહાસભાની બેઠકમાં આ મામલો ઉઠાવતાં કોેંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું કે શિવજયંતીના પ્રસંગે કલ્યાણરોડ, નવી વસ્તી અને નહેરુનગર વિસ્તારમાં કીટાણુનાશક દવા અને ડીડીટીના બદલે લોટનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ અંગે મનપાના સફાઈ કર્મચારીઓને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે મનપામાં હાલ ડીડીટી પાઉડર નથી, તેથી લોટનો છંટકાવ કરવામાં આવ્યો છે.

મહાસભાની બેઠકમાં આરોગ્ય વિભાગના પ્રમુખ મહેન્દ્ર સોનવણેએ સ્વીકાર્યું હતું કે ડીડીટીના બદલે લોટનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે લોટનો છંટકાવ કરનારા સફાઈ કર્મચારીઓ સામે હજુ સુધી પગલાં લેવામાં આવ્યાં નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે ડીડીટીના બદલે લોટનો છંટકાવ કરી લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે.

You might also like