મુંબઈના જ્વેલર્સ માલિકોને લાખોનો ચૂનો ચોપડી ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: મહારાષ્ટ્રના મુંબઈ ખાતે સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા જ્વેલર્સ માલિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના લઈ નાણા નહીં ચૂકવી ફરાર થયેલા એક આરોપીને શહેર ક્રાઈમ બ્રાંચે નરોડા હરીદર્શન ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ ખાતે સોના-ચાંદીના દાગીનાના વેપારીઓને વિશ્વાસમાં લઈ શ્રીનાથ જ્વેલર્સના માલિક પાસેથી ૬૦૦ ગ્રામ સોનાના દાગીના તથા ૪ કિલો ચાંદીના દાગીના લઈ તેના રૂપિયા નહીં ચૂકવી ફરાર થયેલા આરોપી પંકજ મનોહરલાલ બાફના (ઉ.વ.૩ર, રહે. નરોડા, મૂળ વતન રાજસ્થાન)ને નરોડા હરીદર્શન ચોકડી પાસેથી ઝડપી લેવાયો હતો.

આરોપીએ આ રીતે થોડા સમય પહેલાં મુંબઈ ઝવેરી બજાર ખાતે આવેલા આર.પી. જ્વેલર્સ નામના વેપારી પાસેથી પાંચેક લાખ રૂપિયાનો સોના-ચાંદીના દાગીના લીધા હતા અને તેના નાણા ચૂકવ્યા ન હતા. વેપારીઓએ પોતાના પૈસાની ઉઘરાણી ચાલુ કરતા તેને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને મુંબઈમાં ભાડાની દુકાન અને મકાન ખાલી કરી દઈ અમદાવાદમાં રહેવા આવી ગયો હતો. પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

You might also like