મુંબઈ ઇન્ડિયન્સે જયપુરને હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું

મુંબઈઃ રાજસ્થાનના ક્રિકેટપ્રેમીઓની છેવટે પાંખો ખૂલી ખરી. આઇપીએલની નવમી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની મહારાષ્ટ્રમાંથી શિફ્ટ થયેલી મેચોની યજમાની પર જયપુરની મહોર લાગી ગઈ છે. ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટે હોમ ગ્રાઉન્ડ પસંદ કરવાના વિકલ્પ પર મનોમંથન કર્યા બાદ જયપુરના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રમાંથી આઇપીએલની મેચ શિફ્ટ કરવાના મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ મુંબઈ પાસે પોતાની મેચ રમવા માટે નવા હોમ ગ્રાઉન્ડની પસંદગી કરવાની હતી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પાસે જયપુર ઉપરાંત રાયપુર અને કાનપુરના વિકલ્પ હતા, પરંતુ ટીમ મેનેજમેન્ટે ઘણા આધાર પર ચર્ચા કર્યા બાદ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું છે. મુંબઈની મેચની યજમાની મળ્યા બાદ જયપુરમાં આઇપીએલનાે લગભગ ત્રણ વર્ષના દુષ્કાળ ખતમ થઈ જશે.

આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, ”રાજસ્થાન ક્રિકેટ સંઘને જૂથવાદને કારણે પ્રતિબંધિત કરી દેવાયું છે, પરંતુ જયપુર વેન્યૂની યજમાનીની દરખાસ્ત રાજ્ય સરકારની છે.

પુણેએ વિશાખાપટ્ટનમને પસંદ કર્યું
પુણે ફ્રેન્ચાઇઝીએ પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે વિશાખાપટ્ટનમ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે જયપુરને શા માટે પસંદ કર્યું?
• મુંબઈ દ્વારા જયપુરને પસંદ કરવાનું પહેલું કારણ છે મુંબઈ ટીમનું અહીં જબરદસ્ત ફેનફોલોઇંગ. મુંબઈની ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં આ સ્ટેડિયમ પર પણ મેચ રમી છે ત્યારે પણ સ્ટેડિયમ હાઉસફૂલ રહ્યું હતું.

• મુંબઈ હાઈકોર્ટના ચુકાદા બાદ રાજસ્થાન ક્રીડા પરિષદે બીસીસીઆઇને મુંબઈની મેચ જયપુરને આપવા માટે અપીલ કરી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મેચની યજમાનીની માગને લઈને આવી અપીલ રાયપુર અને કાનપુર તરફથી કરવામાં આવી નહોતી.

• જયપુરનું સવાઇ માનસિંહ સ્ટેડિયમ આઇપીએલની ૪૦થી વધુ મેચનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે.

• જયપુરને શાનદાર ફાઇવ સ્ટાર હોટલ ઉપરાંત વધુ સારી કનેક્ટિવિટીને કારણે પસંદ કરવામાં આવ્યું.

You might also like