અમદાવાદ ઈમિગ્રેશનની નજરથી બચ્યા, મુંબઈ ઈમિગ્રેશને ઝડપ્યા

અમદાવાદ: અમદાવાદથી લંડન જતા એક ફેમિલીને મુંબઈ ઇમિગ્રેશન વિભાગે ઝડપી પાડ્યું છે. બોગસ વિઝા અથવા પાસપોર્ટ હોવાની શંકાના અાધારે ઇમિગ્રેશન વિભાગે તેમને ઝડપી અમદાવાદ અેરપોર્ટ પરત મોકલતાં તેઅોને સરદારનગર પોલીસને સોંપ્યાં છે. પોલીસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી છે.

સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટર વી.અાર. પટેલે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ચાર પુરુષો, ત્રણ મહિલા અને બે બાળકો કુલ નવ લોકોને મુંબઈ ઇમિગ્રેશન વિભાગે મુંબઈ અેરપોર્ટ પરથી બોગસ વિઝા કે પાસપોર્ટ હોવાની શંકાના અાધારે અમદાવાદ અેરપોર્ટ પર પરત મોકલ્યા હતા. હાલમાં અા અંગે જાણવા જોગ નોંધી તપાસ શરૂ કરાઈ છે.
અા ફેમિલી દિલ્હી અને હરિયાણાનું હોવાનું જાણવા મળ્યું છે. અા ફેમિલી અમદાવાદ ઇમિગ્રેશન વિભાગની નજરમાંથી બચી ગયું હતું, પરંતુ મુંબઈ ખાતે ઇમિગ્રેશન વિભાગે ચેક કરતાં તેમને શંકા જાગી હતી કે બોગસ વિઝા કે પાસપોર્ટ છે, જેથી તેઅોઅે અમદાવાદ અેરપોર્ટને જાણ કરી પરત મોકલતાં હાલ સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે કે તેઅો પાસેના દસ્તાવેજો સાચા છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અગાઉ પણ બોગસ વિઝા અને પાસપોર્ટ ઉપર કેટલાય લોકો ઇમિગ્રેશન વિભાગની નજરમાંથી છટકી અને વિદેશ જતા હોવાના કિસ્સા બન્યા છે.

વધુ એક આવો કિસ્સો અમદાવાદ એરપોર્ટ ઉપર ફરી એક વાર બનતાં ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ ઉપર સવાલ ઊભા થયા છે. ઉપરાંત એરપોર્ટ પર દાણચોરીના પણ કિસ્સાઓ બનતાં હોય છે.

You might also like