મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયીઃ 10નાં મોતઃ ૩૦થી ૩૫ લોકો દટાયા

મુંબઈ: મુંબઈ શહેરમાં મંગળવાર અને બુધવારે થયેલા અનારાધાર વરસાદ અને તેના પગલે જળબંબાકાર વચ્ચે મુંબઈના ડોંગરી વિસ્તારમાં જે જે ફ્લાય ઓવર નજીર આવેલ ભીંડી બજારમાં આજે પાંચ માળની એક ઈમારત ધરાશાયી થતાં તેમાં ૩૦થી ૩૫ લોકો તેના કાટમાળ નીચે દબાઈ જવાની શંકા છે. હાલ યુદ્ધનાં ધોરણે કાટમાળ ખસેડવા સહિત રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ ઈમારત સાઉથ મુંબઈના ભીંડી બજારમાં છે અને ઈમારત ધસી પડવાની દુર્ઘટના આજે સવારે ૮.૩૦ કલાકે ઘટી હતી. પાક મોડિયા સ્ટ્રીટ પર આવેલી આ ઈમારતનું નામ આરસીવિલા છે. આ બિલ્ડિંગમાં ૧૧ પરિવારો રહેતા હતા. ઈમારત ૫૦ વર્ષથી વધુ જૂની હતી. ઈમારત ધરાશાયી થવાની જાણ થતાં એનડીઆરએફ અને આરએફની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગયા છે. અત્યાર સુધીમાં ઈમારતના કાટમાળમાંથી પાંચથી છ લોકોને જીવતા બચાવી લેવાયા છે. આ વિસ્તાર એકદમ ગીચ અને સાંકડો છે અને તેથી મોટી ગાડીઓ સ્થળ પર પહોંચી શકે તેમ નથી. તેમ છતાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની બાર ગાડીઓ પહોંચી ગઈ છે.

સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ગયા હતા. ઈમારત ધરાશાયી થવાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને કોઈ પણ તંત્રની રાહ જોયા વગર બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા ઈમારતના રહીશોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે.

મુંબઈ અનારાધાર વરસાદ બાદ જર્જરીત ઈમારતો પર ખતરો વધી ગયો હતો. મંગળવારે માત્ર નવ કલાકમાં વરસેલા ૧૨ ઈંચ વરસાદથી મુંબઈના હાલબેહાલ થઈ ગયા હતા અને કેટલાય લોકોનાં મોત થયાં હતાં. મુશળધાર વરસાદના કારણે મંગળવારે મુંબઈના ઉપનગર વિક્રોલીમાં બે મકાનો ધસી પડતાં બે બાળકો સહિત ત્રણના મોત થયાં હતા.

દરમિયાન મંગળવારે ભારે વરસાદ વચ્ચે લાપત્તા થયેલા બોમ્બે હોસ્પિટલના ડોક્ટર દીપક અમરાપુરકરનો મૃતદેહ ૪૮ કલાક બાદ મળી આવ્યો હતો. જો કે મુલુંડના લાપત્તા ડોક્ટર એમ. વૈદ્યનો હજુ સુધી પત્તો લાગ્યો નથી, જ્યારે સાયન વિસ્તારમાં બુધવારે ૩૦ વર્ષના વકીલ પ્રિયમ્ની લાશ તેની ગાડીમાંથી મળી આવી હતી. હજુ પણ સાત લોકો લાપત્તા છે.

મુંબઈ મહાનગરપાલિકાએ અનારાધાર વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરી છે. હવે જનજીવન થાળે પડતું જાય છે, પરંતુ આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવાની હોવાથી લોકોમાં ભય અને ફફડાટ પ્રવર્તે છે. ભારે વરસાદ બાદ મુંબઈના રસ્તાઓ પર ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો પ્રસરવાનો ખતરો ઊભો થયો છે અને રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ અને ભૂવાઓ પડી જતાં અને તેમાં કચરો જમા થવાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત વધી ગઈ છે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે મોન્સૂનની તૈયારીને લઈને પત્રકારોએ પૂછેલા પ્રશ્નોથી અકળાઈ ગયા હતા અને છંછેડાયેલા ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે તમારાથી જો વરસાદ રોકાતો હોય તો રોકી લો.

You might also like